આજકાલ બાળકોથી માંડીને લગભગ દરેક ઉંમરના બાળકોને મેગી ખાવી ગમે છે. આ જલદીથી તૈયાર થઇ જનાર આ એક ટેસ્ટી જંક ફૂડ છે. પરંતુ ઉત્તર પ્રદેશના પીલીભીતથી એવા દુઃખદ ખબર આવ્યા છે, અહીં ૧૦ વર્ષના બાળકનું લોકપ્રિય ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેગી ખાવાથી મોત થયું છે. આ ઉપરાંત બાળકના પરિવારના અન્ય સભ્યોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ બાળક અને તેના પરિવારે મેગી નૂડલ્સ ખાધી હતી જેના કારણે તેમને ફૂડ પોઇઝનિંગ થયું હતું. આ ઘટના રાહુલ નગર વિસ્તારમાં બની હતી જે હજારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. દરમિયાન પરિવારજનોની તબિયત વધુ બગડતાં તેમને સીએચસી પુરનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેગી નૂડલ્સ ખાધા પછી ફૂડ પોઈઝનિંગને કારણે બાળકના પરિવારના છ લોકોને પેટમાં દુખાવો અને ઝાડા થઈ ગયા હતા. સારવાર બાદ તમામ લોકો સાજા થઇ ગયા હતા, પરંતુ ૧૦ વર્ષના બાળકના મોતથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે અને ઉનાળામાં વાસી ખોરાક ખાવા અંગે ચેતવણી આપવામાં આવી છે.
આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા અને લોકોને સલાહ આપવામાં આવી હતી કે તેઓ રસ્તા પરથી શું લઇને ખાય છે તેની કાળજી રાખવી જોઇએ.
Reporter: News Plus