શહેર નજીક હાલોલ ટોલનાકા પાસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કોથળાના રોલની આડમાં લઇ જવાતા 15.36 લાખની કિંમતના દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ થઈને મુંબઈ તરફ જવાની છે. તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે ટ્રકોનું ચેકિંગ કર્યું હતું.

આ દરમિયાન એક ટ્રકમાંથી પ્લાસ્ટિકના કોથળાઓના રોલની નીચેથી દારૂના 311 નંગ બોક્સ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા રૂા. 15.36 લાખની 10,788 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર રમેશ અર્જુન રામ ખીલેરી (બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો અનિલકુમાર ઢાકા (ચોહટન, બાડમેર રાજસ્થાન)એ મોકલ્યો હોવાની અને હેમંત ધાકા નામનો શખ્સ સંપર્કમાં રહેવાનો હતો. તેમજ તેના કહેવા મુજબ વડોદરાની આસપાસ દારૂની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. જયપુરથી અનિલ ઢાકાએ ડ્રાઇવર રમેશને પ્લાસ્ટીકના કોથળા અને તેની નીચે દારુનો જથ્થો છુવાવીને વડોદરાની આસપાસ મળવા માટે જે વ્યક્તિ આવે તે વ્યક્તિના કહ્યા મુજબ આ દારુનો જથ્થો પહોંચાડવા જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ એ ટ્રક, પ્લાસ્ટિકના કોથળા અને રોકડ તેમજ મોબાઇલ ફોન મળી 32.99 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ હરણી પોલીસને હવાલે કર્યો હતો.

પીસીબીએ જાંબુઆ બ્રિજ પાસેથી ટ્રકમાં દારુનો જથ્થો ઝડપાયો...
શહેરના જાંબુઆ બ્રિજ પાસે ટ્રકમાંથી દારુના જથ્થા સાથે શહેર પીસીબી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે હાઇવે પર જાંબુઆ બ્રિજ પાસે આવેલ નમન સ્કુલની સામે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાંથી દારુનો 2 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક અને દારુ સહિત 1385132 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહમંદ કેસર આઝમભાઇ શેખ (રહે, દાદરા નગર હવેલી)ને ઝડપી પાડ્યો હતો જ્યારે ટ્રક ચાલક સમીર ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ શરુ કરી હતી.
Reporter: admin







