કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યાએ અચાનક રાજીનામું આપવાની ફરજ પડી
અટલ બ્રિજના 14 પ્રિકાસ્ટ બિમ અચાનક અટલાદરાની ભૂમિ ઉપર પ્રગટ થયા !!...
આ ભાઈને ટીડીઓ બનવાનાં પણ અભરખા હતા...
અટલ બ્રિજનાં બીમ અન્ય બ્રિજમાં ઉપયોગ કરવાનો કાર્યપાલક ઈજનેર(બ્રિજ) રવિ પંડ્યાનો કારસો...
વિવાદીત અટલ બ્રિજનું સુપરવિઝન કરનારા કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યાને આખરે રાજીનામુ આપવાની ફરજ પડી છે. અટલ બ્રિજનું કૌંભાડ બહાર આવતાં રવિ પંડ્યાએ રાજીનામુ આપ્યું હોવાનું કોર્પોરેશન સંકુલમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રવિ પંડ્યાએ રાજીનામુ આપ્યું કે પછી રાજીનામુ લઇ લેવાયું છે કે પછી તેમને રાજીનામુ આપવાની ફરજ પડાઇ છે, તેમણે સ્વૈછીક રાજીનામુ આપ્યું કે કોઇના દબાણ હેઠળ રાજીનામું આપ્યું તે વિશે તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે. જો કે મુખ્યમંત્રીએ અગાઉ જાહેરમાં જ કહ્યું હતું કે ભ્રષ્ટ અધિકારીઓ રાજીનામુ આપે નહીંતર ઓપરેશન ગંગાજલ હેઠળ તેમની સામે કાર્યવાહી કરાશે. રવિ પંડ્યા, 220 કરોડને ખર્ચે બનાવેલ અટલ બ્રિજનું સુપરવિઝન કરતા હતા. એવી ચોંકાવનારી માહિતી મળી છે કે અટલ બ્રિજમાં જે બિમ તૈયાર કરાયા હતા તેનો પૂર્ણ ઉપયોગ જ કરવામાં આવ્યો નથી અને આ બિમ છેલ્લા ચાર વર્ષથી ઉપયોગ કર્યા વગર સડી રહ્યા છે. બિમને અટલાદરા વિસ્તારમાં મુકી દેવાયા છે. અટલ બ્રિજ માટે તૈયાર કરાયેલા આ બિમનો અટલ બ્રિજમાં જ કેમ ઉપયોગ ના કરાયો તે સૌથી મોટો સવાલ હવે ઉભો થયો છે. તેનો મતલબ એ થાય છે કે પુરતા પ્રમાણમાં ટેક્નિકલ રીતે સ્ટ્રકચરલ ડિઝાઇન મુજબ જેટલા બિમ હોવા જોઇએ તેટલા બિમ અટલ બ્રિજમાં લગાવાયા જ નથી. અટલ બ્રિજની ડિઝાઇન ફોલ્ટી છે,તેની અવારનવાર ચર્ચા થઈ ચુકી છે.સુપરવીઝન કરતી વખતે રવિ પંડ્યાએ ધ્યાન રાખ્યું હોય તો પછી આટલો મોટો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો તે સવાલ છે. વાસ્તવમાં કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન અને કાર્યપાલક ઇજનેર બ્રિજ વચ્ચે મેળાપીપણામાં જ આ કારસો રચાયો હોય તેવી માહિતી મળી છે. અટલ બ્રિજમાં ઓછા બિમનો ઉપયોગ કરીને તે બિમનો ઉપયોગ અન્ય બ્રિજમાં કરીને રોકડી કરી લેવાનો બંનેનો કારસો હોય તેવી માહિતી મળી રહી છે. અટલ બ્રિજના આ બિમ હાલ સડેલી હાલતમાં પડી રહ્યા છે અને અટલ બ્રિજમાં ડિઝાઇન મુજબ બિમનો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને સરકાર પાસેથી 75 ટકા જેટલી એટલે કે કરોડોની રકમ ખંખેરી લેવાઇ છે અને કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેર બ્રિજ દ્વારા આ સુનિયોજીત સ્વરુપે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ મામલે કમિશનરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન અને કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યા સામે વિજીલન્સ દ્વારા તપાસ કરાવવી જોઇએ, તો જ તથ્ય બહાર આવશે. ઉલ્લેખનિય છે કે રવિ પંડ્યા અગાઉ મ્યુનિસિપલ કમિશનરનાં ટેકનિકલ પીએ હતા ત્યારે પણ અનેકવાર વિવાદમાં આવેલા હતા. અટલ બ્રિજ તેમના સુપરવિઝનમાં તૈયાર થયો છે. બ્રિજ બન્યો ત્યારથી જ તેની ફરિયાદો આવી રહી છે. અટલ બ્રિજમાં તિરાડો પડી ગઇ છે અને સળીયા દેખાવા માડ્યા છે તથા પોપડા પણ ખરી રહ્યા છે અને તેથી અટલ બ્રિજમાં બેફામ ભ્રષ્ટાચાર કરાયો હોવાની બુમો પડી રહી છે ત્યારે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરાય તે જરુરી છે. કમિશનરે હવે અટલાદરા વિસ્તારમાં પડી રહેલા બ્રિજના બિમને કબજે કરવા જોઇએ અને અટલ બ્રિજની ડિઝાઇનમાંથી કેમ કાઢી નંખાયા છે તેની તપાસ કરવી જોઇએ. બ્રિજનો મુખ્ય કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન છે અને તેનું 75 ટકા બિલ એટલે કે કરોડો રુપિયાનું બિલ સરકારમાંથી પાસ થઇ ગયું છે અને અમને મળેલી જાણકારી મુજબ અટલાદરામાં પડી રહેલા અને સડી રહેલા આ બિમનો ઉપયોગ વાસણાથી ભાયલી સુધીના રસ્તા પર જે બ્રિજ બની રહ્યો છે તે બ્રિજમાં કરી દેવાશે અને કોન્ટ્રાક્ટર ત્યાંથી પણ કરોડો રુપિયા ખંખેરી લેશે, કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યાએ કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન સાથે મીલીભગત કરીને આ બિમનો ઉપયોગ વાસણાથી ભાયલીવાળા બ્રિજમાં કરવાનો કારસો રચ્યો છે.

રવિ પંડ્યાના વિવાદ...
મહાનગર પાલિકા માં રવિ પંડ્યાની મ્યુનિ.કમિશનરે ટેક્નિકલ પીએ તરીકે નિમણુંક કરી હતી અને ત્યારબાદ તેઓ સતત વિવાદમાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર આચરીને ફાઇલોમાં વહિવટ કર્યો હતો. આખરે ભ્રષ્ટાચારની ફરિયાદો વધતા ટેક્નીકલ પીએની પોસ્ટ કાઢી નાખીને રેગ્યુલર પીએની નિમણુક કરાઇ હતી. રવિ પંડ્યા વારંવાર સ્વામિનારાયણ સંતો દ્વારા દબાણ પણ લાવતા હતા. કમિશનરના ટેક્નિકલ પીએ તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે મુલાકાતીઓ પાસે યેન કેન પ્રકારે સ્વામિનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં ઘી ના ડબ્બાની રકમ પણ પડાવી લેતા હોવાની ફરિયાદો કમિશનરને કરાઇ હતી. રવિ પંડ્યા જે તે વખતના સીટી એન્જિનીયર, એડિ.સીટી એન્જિનીયર અને ઇજનેરના વહિવટદાર તરીકે પણ કામ કરતા હતા. અગાઉ જે સીટી એન્જિનીયર વી.એન.ટેલર એસીબીના હાથે પકડાયા હતા.રવિ પંડ્યા ટેલરના પીએ તરીકે ફરજ બજાવતા હતા.
સડી રહેલા 14 થી વધુ બિમનો કોર્પોરેશને તાત્કાલિક અસરથી કબજો લેવો જરુરી...
25 ડિસેમ્બર 2022 ના રોજ 220 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ બ્રિજ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. 8 મહિના પછી લોકાર્પણ કરાયેલો અટલ બ્રિજ શરુઆતથી જ વિવાદમાં રહ્યો છે અને તે મામલે ફરિયાદ પણ થઇ છે. 8 મહિના પછી બ્રિજમાં તિરાડો પડી ગઇ છે અને પોપડા ખરી ગયા છે. અટલાદરામાં છેલ્લા 4 વર્ષથી અટલ બ્રિજ માટે બનાવાયેલા બિમ સડી રહ્યા છે તેનો કોર્પોરેશને તાત્કાલિક કબજો લઇને પંચનામુ કરવું જોઇએ કારણ કે આ બિમ રાજ્ય સરકારની ગ્રાંટમાંથી આવેલી રકમમાંથી બનેલા છે. અટલ બ્રિજની વાસ્તવીક ડિઝાઇનમાંથી કાઢી નાખેલા છે. હવે અટલ બ્રિજ ફોલ્ટી થઇ ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી દહેશત હંમેશા રહે છે. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરે આ ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે. કાર્યપાલક ઇજનેર બ્રિજ રવિ પંડ્યાના મેળાપીપણામાં આ કૌંભાડ આચરાયું છે. બેંકમાં પોતાની ફિક્સ ડિપોઝીટ કરાવવા માટે અટલ બ્રિજના બિમ અન્ય બિમમાં લગાવી દેવાશે. જ્યારે સ્માર્ટ મિશન ટીમ વડોદરા આવી હતી ત્યારે તેમણે કોર્પોરેશનના 3 પ્રોજેક્ટ ડ્રોપ આઉટ કર્યા હતા. જેમાં અટલ બ્રિજ, સંજય નગર અને સહકાર નગરનો સમાવેશ થાય છે અને સ્માર્ટ મિશનની ટીમે આ ક્વેરી કાઢીને ગુસ્સે પણ થઇ હતી.

પોતાનુ પાપ જાહેર થાય તે પહેલા જ રવિ પંડ્યાનું રાજીનામુ....
અટલ બ્રિજ ચાર વર્ષથી બની રહ્યો છે. અને તેમાં કરોડો રુપિયાનું ચુકવણું થયું છે પણ બ્રિજમાં તિરાડો પડી ગઇ છે. અને તેથી જ પોતાનું પાપ પ્રકાશે તે પહેલાં જ રવિ પંડ્યાએ રાજીનામુ આપ્યું છે. પોતાનો વહિવટ એટલે કે કૌંભાડ બહાર ના આવે તે માટે રવિ પંડ્યાએ રાજીનામુ આપી દીધું છે. હવે સમગ્ર મામલાની તપાસ કરાશે અને વિજીલન્સ તપાસ થશે તો ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે છે.
અટલ બ્રિજમાં વ્યાપક ભ્રષ્ટાચાર...
અટલ બ્રિજ શહેરના ગેંડા સર્કલથી અક્ષરચોક સુધી ગુજરાત રાજ્યનો સૌથી મોટો ઓવરબ્રીજ છે . જો કે શરુઆતથી જ આ બ્રિજ વારંવાર વિવાદના વંટોળમાં ઘેરાતો રહ્યો છે ત્યારે બ્રિજના પોપડા ઉખડતા તેની મજબૂતાઈ અંગે અનેક રહસ્યો સર્જાયા છે. આ મામલે બહાર આવતાં ઉપરાંત બ્રિજ બનાવનાર રણજીત બિલ્ડકોન કંપનીને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલીક વાર અકસ્માત, બ્રીજના રોડ પર ઉનાળામાં નાખવામાં આવેલી રેતીથી અનેક વાહનો સ્લીપ થવાના બનાવો બન્યા હતા. આ ઉપરાંત બ્રિજ અને તેના ટેકાનું બનેલી દીવાલોમાં પણ વચ્ચે જગ્યા પણ સર્જાઇ હતી. આવા અનેક નાના મોટા છબરડા બ્રિજની બનાવટમાં બહાર આવ્યા હતા. ઓવરબ્રિજની બનાવવામાં આવેલી પેરાફીટના પણ પ્લાસ્ટરના પોપડા ઉખડવા માંડ્યા છે આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



Reporter: admin