વડોદરા શહેરમાં મોડી રાત બાદ કેટલાક નબીરાઓ રસ્તાઓને રેસનું મેદાન માને છે અને તે જ રીતે પુરપાટ વેગે પોતાનું વાહન હંકારે છે. બેફામ નબીરાઓ ક્યારેક પોતાની સ્પીડના કારણે અન્યના જીવ જોખમમાં મૂકી દે છે અને આવા તત્વો સામે ટ્રાફિક પોલીસ બિલકુલ ચળીચૂપ બનીને બેઠી છે.
શહેરના વાઘોડિયા રોડ ઉપર ગત મોડી રાતે બેફામ બનેલા એક કાર ચાલકે પોતાની કાર કલા દર્શન સર્કલમાં ઘુસાડી દીધી હતી અને તેના સ્ટ્રકચરને ભારે નુકસાન પહોચાડ્યું હતું.શહેરમાં અવારનવાર અકસ્માતોની વણઝાર જોવા મળે છે. તાજેતરમાં જ અલકાપુરી વિસ્તારમાં એક સગીરે પોતાની સપોર્ટ બાઈક બેફામ રીતે હંકારી એક યુવતીને અડફેટમાં લીધી હતી અને તે યુવતી હાલમાં પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. થોડા દિવસો અગાઉ હિટ એન્ડ રનની ઘટના પણ બનવા પામી હતી. તેમ છતાં ટ્રાફિક વિભાગ આવા તત્વો સામે લાલ આંખ કરવામાં કચાશ કરી રહ્યું છે.
ત્યારે શહેરના વાઘોડિયા રોડ ઉપર મોડી રાતે એક કાર ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર કલાદર્શન સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થયો હતો પરંતુ સર્કલના સ્ટ્રકચરને ભારે નુકસાન થવા પામ્યું છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Reporter: News Plus