News Portal...

Breaking News :

વોર્ડ 15 ના મહિલા કોર્પોરેટરો સાથે સંગઠનનું ઓરમાયું વર્તન

2025-06-09 10:05:22
વોર્ડ 15 ના મહિલા કોર્પોરેટરો સાથે સંગઠનનું ઓરમાયું વર્તન


સિંદૂરી મહિલાઓ વિફરશે ત્યારે સંગઠનને પણ ભારી પડશે..
વેદના બળવામાં તબદીલ થાય તો નવાઈ નહી.
પક્ષ વધારેમાં વધારે કોર્પોરેટરોને ફરી ટિકિટ નહીં આપે. પરંતુ એ વિસ્તારના મતદારોએ શું ગુનો કર્યો ? હોડીકાંડનાં ભોગ બનેલા પરિવારોની સાથે રહેવું એ ગુનો છે ?
શહેર પ્રમુખ સમક્ષ મહિલા કોર્પોરેટરોએ ઠાલવી વેદના...



પોતાની સતત અવગણના કરાતી હોવા અંગે વોર્ડ નં-15ની મહિલા કોર્પોરેટરોની ઉગ્ર રજૂઆત...
શહેર ભાજપ સંગઠનમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટેરોને વોર્ડ પ્રમુખ દ્વારા કોઇ પણ કાર્યક્રમમાં ના બોલાવીને સતત અવગણના કરવાના આરોપો લાગી રહ્યા છે . વોર્ડ નંબર 15 ના મહિલા કોર્પોરેટરો પોતાની સતત કરાઇ રહેલી અવગણના બાબતે શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીને મળ્યા હતા અને પોતાની લાગણીની ઉગ્રતાથી રજૂઆતો કરી પોતાની વેદના ઠાલવી હતી. વોર્ડ નંબર 15ની મહિલા કોર્પોરેટરો પૂનમબેન શાહ અને પારુલબેન પટેલને શહેર ભાજપ પ્રમુખ દ્વારા નમો કાર્યાલય ખાતે બોલાવાયા હતા. બંને મહિલા કોર્પોરેટરોએ પોતાની અવગણનાની રજૂઆતો કરી હતી. શહેર પ્રમુખે વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભને બોલાવીને સમજાવીશુ તેનવી હૈયાધારણા આપી હતી. શહેર સંગઠનમાં જે પ્રકારે વિવાદો અને આંતરીક જૂથબંધી લાગે છે તે જોતાં એવુ લાગે છે કે ભાજપને વોર્ડ નંબર 15માં બ્રાહ્મણ, વાણિયા અને પટેલ સમાજની જરુરીયાત લાગી રહી નથી. વોર્ડ નંબર 15ના બ્રાહ્મણ કોર્પોરેટર આશિષ જોશીને ભાજપે સસ્પેન્ડ કર્યા છે અને પુનમબેન શાહ અને પારુલ પટેલને હેરાન કરવામાં આવી રહ્યા છે તે તેનો ઉત્તમ દાખલો છે.  કોર્પોરેટર પારુલબેન પટેલને આ બાબતે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમને જે રીતે હેરાન કરાઇ રહ્યા છે અને કોઇ કાર્યક્રમોમાં બોલાવાતા પણ નથી અને અમારી અવગણના કરાઇ રહી છે તે બાબતે અમે શહેર પ્રમુખ સમક્ષ રજૂઆતો કરી હતી. પક્ષ પ્રમુખ દ્વારા વોર્ડ નંબર 15ના પ્રમુખને બોલાવીને સમજાવીશું તેમ જણાવામાં આવ્યું હતું. 



અમને કોઇ પણ કાર્યક્રમોમાં  બોલાવતા નથી
અમે શહેર પ્રમુખને કહ્યું હતું કે અત્યાર સુધી વોર્ડ પ્રમુખે અમને કોઇ દિવસ ફોન કર્યો નથી અને અમને કોઇ પણ કાર્યક્રમોમાં  બોલાવતા નથી. અમને અમારુ માન સન્માન વહાલુ છે . અમે અત્યાર સુધી કોઇ દિવસ વિવાદમાં આવ્યા નથી. અમારી કોઇની સાથે દુશ્મની નથી તો કેમ આવું કેમ કરે છે. પુનમબેને પણ રજૂઆતો કરી હતી કે હું વૈષ્ણવ સમાજમાંથી હું આવું છું .  વૈષ્ણવ સમાજનો કાર્યક્રમ હતો તેમાં પણ મને બોલાવી ન હતી. પ્રમુખે અમારી વાત સાંભળીને કહ્યું હતું કે અમે તેને વાત કરીશું. 

પારુલ પટેલ, કોર્પોરેટર
વોર્ડ નંબર 15 ફરીથી ભાજપ માટે ઘાતક ના બને તેનું પક્ષે ધ્યાન રાખવું જરુરી 
વોર્ડ નંબર 15માં જે રીતે બ્રાહ્મણ, વાણિયા અને પટેલ સમાજનું સતત અપમાન કરાઇ રહ્યું છે તે શહેર ભાજપ માટે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ઘાતક બની શકે છે કારણ કે આ વોર્ડની તાસિર રહેલી છે કે આ વોર્ડમાં કોઇ પણ પાર્ટીનો કોર્પોરેટર હોય પણ તેને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભુતકાળમાં આવા ઘણા ઉદાહરણો છે જેમાં લોકોએ ભાજપને જાકારો આપેલો છે. 2010માં તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉમા ચાર રસ્તા પાસે જાહેરસભા યોજાઇ હતી અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખુબ જ હતી છતાં પણ આ વોર્ડમાં ભાજપની આખી પેનલ હારી હતી. જેથી પક્ષે આ ભુલ દોહરાવવાની જરુર નથી. પક્ષે ગંભીરતાથી વોર્ડ નંબર 15માં ઉભી થયેલી આંતરીક જૂથબંધીનો કોકડો ઉકેલવો જોઇએ કારણ કે હવે કોર્પોરેશનની ચૂંટણીને આડે છ મહિના જ બાકી છે.

Reporter: admin

Related Post