પિતા, બે પુત્ર અને પુત્રીના કરુણ મોત નિપજ્યા, 6 થી વધુને ઇજા
વડોદરા - હાલોલ હાઇવે ઉપર કોટંબી નજીક એક પીક અપ વાન ડિવાઈડર સાથે અથડાયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી અને પાણી ભરેલા નાળામાં ખાબકતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં પિતા, બે પુત્ર અને પુત્રીના કરુણ મોત નિપજ્યા હતા. જયારે 6 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર હેતુ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડિવાઈડર સાથે અથડાયા બાદ પીક એ વાન પલ્ટી ખાઈ ગઈ
મળતી વિગતો અનુસાર ઝાલોદથી વડોદરા તરફ આવી રહેલી પીક અપ વાનના ચાલકે કોટંબી નજીક અચાનક સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટાયર ડિવાઈડર સાથે અથડાયું હતું. ધડાકાભેર અથડાતા પીકઅપ વાન પલ્ટી ખાઈ ગઈ હતી અને જોત જોતામાં રોડની સાઈડ ઉપરના પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. અકસ્માતના પગલે મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ઉપરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પીકઅપ વનમાં 10 થી 15 જેટલા મજુર વર્ગના લોકો સવારી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં પિતા, બે પુત્ર અને પુત્રી સહીત ચારના મોત નિપજ્યા હતા. જયારે 6 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે વ્યક્તિઓની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બોલેરો પીકઅપ વાન પલ્ટી મારતા 6 થી વધુ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી. ઉપરાંત ફાયર વિભાગ પણ સ્થળ ઉપર પહોંચી ગયું હતું. પોલીસ વિભાગે સ્થળ ઉપર પહોંચી જઈ 4 મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકો મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વેઠા ગામના રહેવાસી છે.
મૃતકોની યાદી
માધુભાઇ મંજીભાઇ ડામોર (ઉ.35)
પંકજભાઇ માધુભાઇ ડામોર (ઉ.09)
મહિતા માધુભાઇ ડામોર (ઉ.07)
પ્રવિણ માધુભાઇ ડામોર (ઉ.05)
Reporter: News Plus