રાજપીપળા: નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી કેવડીયા જતા માર્ગ ઉપર જુનવદ ગામ પાસે આવેલા શ્રદ્ધા સબૂરી હોટલ નજીક પેટ્રોલ પંપમાં આગ લાગતાં નાસભાગ મચી હતી. આ આગમાં બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે ઘટના સ્થળે હાજર રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઇ અને DySp કુણાલ સિંહ પરમારના જણાવ્યા મુજબ શ્રદ્ધા સબૂરી હોટલ બાજુના આ પેટ્રોલ પંપ પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હતી. દરમિયાન અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પાઇપ બદલવાની કામગીરી ચાલુ હતી ત્યારે ટાંકામાં રહેલા થોડાક પેટ્રોલના કારણે આગ લાગી હતી. આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલા ત્યાં અફરા તફરી મચી જવા પામી હતી, ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યાં અને રાજપીપળા પાલિકા ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આ આગની ઘટના માં બે કર્મચારીઓ દાઝી જતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જો ટાંકામાં વધુ પેટ્રોલ હોત તો મોટી દુર્ઘટના બની હોત પરંતુ પેટ્રોલ થોડુક જ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે. આ આગમાં દાઝી ગયેલા કંપનીના બે કર્મચારીઓમાં નરેન્દ્રભાઇ રામુપ્રસાદ અને અજયભાઈ હરીનંદન દાઝી ગયા છે અને ફેક્ચર પણ થયું છે.
Reporter: News Plus