૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’
વડોદરા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે
ત્રિમંદિરના સાંનિધ્યમાં અઢી હજાર જેટલા લોકો કરશે સામૂહિક યોગાભ્યાસ
વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન
આગામી તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો ઉપર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત વિવિધ સ્થળોએ આયોજિત ઉજવણીમાં યોગાભ્યાસુઓ સહભાગી થઈ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગિક ક્રિયાઓ દૈનિક કરી પોતાનું જીવન નિરામય બનાવે તેવો સંદેશો આપશે.સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ હેઠળ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશે, જેમાં અઢી હજારથી વધુ લોકો સહભાગી થશે.
આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકા સહિત પૌરાણિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત શાળા-કોલેજો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી સામૂહિક યોગાભ્યાસ થશે.આ યોગ દિવસની ઉજવણીમાં વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ છે. ખાસ કરીને યોગિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સંસ્થાઓના યોગ પ્રશિક્ષકો દ્વારા ગામે ગામ યોગાભ્યાસ થશે.કલેક્ટરએ ઉમેર્યું હતું કે, ભારતની પ્રાચીન વિદ્યા યોગ નિરોગ શરીર, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉર્જા પ્રાપ્તિનો અક્ષય સ્ત્રોત છે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત વડોદરામાં થનાર યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસ નિત્યક્રમ બને તેમજ લોકો યોગનું મહત્વ સમજે તે માટે નાગરિકો સ્વયંભૂ યોગ દિનની ઉજવણીમાં સહભાગી થાય તેવી તેમણે અપીલ કરી છે.
Reporter: admin







