બિજિગ : ભારત જેવા ઘણા દેશોમાં લાંચ સામાન્ય શિરસ્તો છે. પરંતુ બધાથી વિપરીત હોય તો ચીનની વાત છે.
બેન્ક ઓફ ચાઇનાના ભૂતપૂર્વ ચેરમેન લિઉ લિયાંગને મંગળવારે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરની લોન ફાળવણીના કૌભાંડમાં મોતની સજા ફટકારવામાં આવી છે. તેણે 121 મિલિયન યુઆન એટલે કે 1.68 કરોડ ડોલર(160 કરોડ રુપિયા)ની લાંચ લીધી હોવાનું પુરવાર થયું છે. ચીનના પૂર્વી શેડોંગ પ્રાંતની જિનાન શહેરની કોર્ટે લિઉ લિનાંગને લાંચ કૌભાંડમાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારતા આખા વિશ્વમાં ચકચાર મચી છે. સામાન્ય રીતે લાંચ બદલ બીજા કોઈ દેશમાં ભાગ્યે જ ફાંસી થતી હોય છે. મધ્યપૂર્વના કટ્ટરવાદી કહેવાતા ઇસ્લામિક દેશોમાં પણ સરકારી અધિકારીને લાંચ બદલ ભાગ્યે જ ફાંસી કરવામાં આવી હતી. તેમા પણ ચીનની બેન્ક ઓફ ચાઇના જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વડાને ફાંસીની સજાની જાહેરાતે એકલા ચીન જ નહીં સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવી દીધી છે.
લિઉને આજીવ રાજકીય અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હતો, તેની બધી જ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરી દેવામાં આવશે. તેણે મેળવેલા બધા જ ગેરકાયદેસરના નફાને તેની પાસેથી વસૂલ કરીને રાજ્યની તિજોરીમાં જમા કરાવવામાં આવશે. કોર્ટનું તારણ છે કે લિઉએ એક્સ્પોર્ટ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને બેન્ક ઓફ ચાઇનાના વિવિધ હોદ્દાનો દૂરુપયોગ કર્યો હતો અને લાંચ લઈને બીજાને લોન ફાઇનાન્સિંગ, પ્રોજેક્ટ કોઓપરેશન અને વ્યક્તિગત વ્યવસ્થાઓમાં મદદ કરી હતી. આ ઉપરાંત તેણે અનક્વોલિફાઇડ કંપનીઓને કાયદાકીય નિયમોનો ભંગ કરીને 3.32 અબજ યુઆનથી પણ વધુ રકમની લોન આપી હતી. તેના પરીએમે 190.7 મિલિયન યુઆન (એટલે કે 2.7 કરોડ ડોલર)ની તો મુદ્દલની જ ખોટ ગઈ હતી. આમ ભ્રષ્ટાચાર બદલ ફાંસીની સજા મેળવનાર લિઉ બીજો બેન્કર છે.
Reporter: admin