દિલ્હી: જાણીતા સિંગર ઝુબિન ગર્ગના મોતની ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે અને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી વિગતો સામે આવી રહી છે.
હવે સિંગરના મોત મામલે એક નવો વળાંક આવ્યો છે. તેના મિત્ર શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝર શ્યામકાનુ મહંતે તેને ઝેર આપીને મારી નાખ્યો અને ત્યારપછી તેને દુર્ઘટના બતાવવાનું કાવતરું ઘડ્યું. સાક્ષી તરીકે નોંધાવેલા નિવેદનમાં ગોસ્વામીએ કહ્યું કે, ઝુબીનના મોત પહેલા મેનેજર શર્માનો વ્યવહાર શંકાસ્પદ હતો. મેનેજર પર પહેલાથી જ FIR નોંધાયેલી છે. તેના પર હત્યા, ગુનાહિત કાવતરું જેવા ગંભીર બિનજામીનપાત્ર આરોપો લાગ્યા છે. ગોસ્વામીએ જણાવ્યું કે, સિંગાપોરમાં પેન પેસિફિક હોટેલમાં શર્મા તેની સાથે રોકાયો હતો. યોટ ટ્રીપ દરમિયાન મેનેજરે યોટના કેપ્ટન પાસેથી બળજબરીથી યોટનો કંટ્રોલ લઈ લીધો હતો, જેના કારણે તે સમુદ્રમાં ખતરનાક રીતે ડગમગવા લાગી અને તમામના જીવ જોખમમાં મુકાયા.
ગોસ્વામીએ દાવો કર્યો કે શર્માએ આસામ એસોસિએશન (સિંગાપોર)ના સભ્ય તન્મય ફુકનને ડ્રિંકની વ્યવસ્થા કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે ઝુબીનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તે ડૂબવાની સ્થિતિમાં હતો, ત્યારે મેનેજર બૂમ પાડી રહ્યો હતો કે, તેને જવા દો.ગોસ્વામીએ કહ્યું કે, ઝુબીન એક તાલીમ પામેલો સ્વીમર હતો અને તેણે ખુદ શર્મા અને તેને તરવાનું શીખવ્યું હતું. તેથી તેનું મોત ડૂબી જવાથી થવું તે અશક્ય છે. તેમણે આરોપ લગાવ્યો કે, શર્મા અને મહંતે ઝુબીનને ઝેર આપ્યું અને કાવતરું છુપાવવા માટે સિંગાપોર પસંદ કર્યું.ગોસ્વામીએ આગળ કહ્યું કે, જ્યારે ઝુબીનના મોં અને નાકમાંથી ફીણ નીકળી રહ્યો હતો, ત્યારે શર્માએ તેનું કારણ એસિડ રિફ્લક્સ જણાવ્યું અને અન્ય લોકોને ચિંતા ન કરવા કહ્યું. પરંતુ તેણે તાત્કાલિક મેડિકલ મદદ ન બોલાવીને તેણે સ્થિતિ વધુ ખરાબ કરી નાખી, જેના કારણે ઝુબીનનું જલ્દી મોત થઈ ગયું. જોકે, પૂછપરછમાં શર્મા અને મહંતે આ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ તપાસ એજન્સીઓનું કહેવું છે કે, સાક્ષીઓના નિવેદનો, નાણાકીય વ્યવહારો અને અન્ય પુરાવા શર્માની ભૂમિકા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે.
Reporter: admin







