અમદાવાદ: જિલ્લાના બાવળામાં શુક્રવારે સમી સાંજે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે રેલવે લાઇન નજીક આવેલા વીજપોલ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વીજપોલ પર લટકતી લાશ જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી એ ચોક્કસ થઈ શક્યું નથી કે આ હત્યા છે કે આત્મહત્યા. જોકે ખુલાસો તો તપાસ બાદ જ થશે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ બાવળાના બોરડીવાળી જીન વિસ્તારમાં રહેતા શિવમ રમેશભાઈ ઠાકોર તરીકે થઈ છે. શુક્રવારે સાંજના સમયે, રેલવે ટ્રેક પાસેથી પસાર થતા કેટલાક લોકોની નજર વીજપોલ પર લટકી રહેલા મૃતદેહ પર પડતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને જોતાં, બાવળા પોલીસ અને રેલવે પોલીસ બંનેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને વીજપોલ પરથી નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. શિવમ ઠાકોરે કયા સંજોગોમાં આટલું મોટું પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે તેના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







