વડોદરા:સયાજીગંજ વિસ્તારમાં લગ્નનો ઇનકાર કરનાર એક યુવતીએ યુવકની પજવણી અને બ્લેકમેલિંગથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી હતી.
યુવતીએ પોલીસને કહ્યું છે કે, મારે યુવક સાથે મિત્રતા હતી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ યુવકની વર્તણુકને કારણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. પોલીસના કહ્યા પ્રમાણે,ત્યાર પછી પણ યુવક સતત પીછો કરતો હતો અને યુવતીની ઓફિસે પહોંચી ધાંધલ મચાવતો હતો. આ યુવક તેની સાથે લગ્ન કરવા યુવતીને સતત દબાણ કરતો હતો અને આત્મહત્યાની ધમકી આપી તેને પણ મારી નાખવાની ધમકી આપતો હતો.
પાંચેક દિવસ પહેલા યુવકે ચપ્પુ વડે પોતાના હાથે અને ગળાના ભાગે ઘસરકા મારતા યુવતી તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ યુવકે બે દિવસ પહેલા ફરીથી યુવતીના ઘર પાસે જઈ તમાશો કરતા યુવતીએ પોલીસને જાણ કરી હતી. સયાજીગંજ પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધ્યો હતો અને મોડી રાત્રે સ્ટેશન વિસ્તારમાંથી યુવક કુમાર સોલંકી (વારસિયા)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો.
Reporter: admin







