લાખોના ખર્ચે આ સાધનો લગાવો છો ત્યારે એટલું તો ધ્યાન રાખો કે તેનું મેઇન્ટેનન્સ થાય છે કે કેમ..

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ ચલાવીને લોકોને પોતા સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાના પ્રયાસો કરે છે ત્યારે વડોદરા કોર્પોરેશનનું તંત્ર વડાપ્રધાનના આ અભિયાન પર જ બ્રેક લગાવી રહ્યું છે. વડોદરાના કમાટીબાગમાં મોટા ઉપાડે કસરત કરવા સાધનો તો લગાવી દેવાયા છે પણ તેની નિભાવણી અને જાળવણી કરવામાં કોર્પોરેશનના અધિકારીઓ સંદતર નિષ્ફળ ગયા છે. લાખો રુપિ.ના ખર્ચે ત્રણ ચાર વર્ષથી કમાટીબાગમાં કોર્પોરેશને કસરતના સાધનો લગાવ્યા છે. કમાટીબાગમાં રોજ વહેલી સવારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મોર્નીંગ વોક કરવા આવે છે અને મોર્નીંગ વોક બાદ તેઓ આ સાધનોનો ઉપયોગ કરીને કસરત કરે છે. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે આ કસરતના સાધનોનું ઓઇલિંગ પણ કરવામાં આવતું નથી જેના કારણે ઘણા કસરતના સાધનો તો એવા છે કે તેનો ઉપયોગ કરવા માટે વ્યક્તિને ભારે જોર લગાવવું પડે છે. યોગ્ય નિભાવણી અને જાળવણી એટલે કે મેઇન્ટેનન્સ કરવામાં જ આવ્યું નથી જેથી કસરતના આ સાધનો યોગ્ય રીતે ચાલતા નથી અને લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકતા નથી. રોજ મોર્નીંગ વોક કરીને કસરત કરવા આવતા લોકો કસરતના આ સાધનોની દૂર્દશા જોઇને કસરત કર્યા વગર જ પરત ફરે છે. તમે જ્યારે લાખોના ખર્ચે આ સાધનો લગાવો છો ત્યારે એટલું તો ધ્યાન રાખો કે તેનું મેઇન્ટેનન્સ થાય છે કે કેમ. વગર મેઇન્ટેનન્સે લોકો આ કસરતના સાધનોનો ઉપયોગ કઇ રીતે કરી શકશે. બે વર્ષ થયા છકતાં કસરતના આ સાધનોનું ઓઇલિંગ કરવામાં આવ્યું જ નથી. આ મામલે કોર્પોરેટરો અને અધિકારીઓને જાણ પણ કરાઇ છે છતાં જાડી ચામડીના અધિકારીઓને પડી નથી. મોર્નીંગ વોક કરવા આવતા લોકોએ 6 મહિનાથી આ મામલે રજૂઆતો કરેલી છે પણ તંત્ર સાંભળતું નથી. નવાઇની વાત એ છે કે આ સાધનો જ્યાં રખાયા છે તે જગ્યાથી મ્યુનિ.કમિશનરનો બંગલો 500 મીટર જ દુર છે.

કોર્પોરેટરને પણ રજૂઆત કરી પણ કોઇ નિરાકરણ નહી
મોર્નીંગ વોક કરવા આવતા લોકોએ આ મામલે કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી પણ આમ છતાં તેનું નિરાકરણ કરાયું નથી. જ્યારે તમે લોકોના સ્વાસ્થ્ય માટે કસરતના સાધનો મુકો છો તો પછી તેનું મેઇન્ટેનન્સ પણ થાય છે કે નહીં તેનું ચેક તો કરો પણ પાર્ક્સ એન્ડ ગાર્ડન ખાતાના અધિકારીઓ અને કોર્પોરેટરોને કંઇ પડી નથી.
પીએમ અને સીએમના અભિયાનને વડોદરા કોર્પોરેશન ગાંઠતું જ નથી.
પહેલું સુખ તે જાતે નર્યા' એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાને શરૂ કરેલી 'ઓબેસિટી ફ્રી' માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત બને તે જરૂરી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી જ્યારે લોકોના આરોગ્ય માટે આટલા ચિંતીત હોય ત્યારે વડોદરા કોર્પોરેશન લોકોના કસરત કરવાના સાધનોની જ જાળવણી અને નિભાવણી કરતી નથી,. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં વડોદરાના નેતાઓ જોડાય છે ખરા પણ એ માત્રને માત્ર પોતાના નેતાઓને ખુશ કરવા. વાસ્તવમાં આ દિશામાં કોઇ કાર્ય થાય છે કે કેમ અને જો કોઇ કાર્ય થયેલું હોય તો તે કાર્ય યોગ્ય રીતે ચાલે છે કે કેમ તેની ચકાસણી પણ વડોદરાના નેતાઓ કરતા નથી તે ચોક્કસ વાત છે.




Reporter: admin