કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામના 40 વર્ષીય વિક્રમસિંહ ભીમસિંહ રાઠોડનું કાલોલ GIDCમાં આવેલી ખોડીયાર લાઈફ સાયન્સ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં મૃત્યુ થયું છે.

આ ઘટના 17 ઓક્ટોબર, 2025 ના રોજ બપોરના સમયે બની હતી.પ્રાથમિક માહિતી અનુસાર, વિક્રમસિંહ રાઠોડ બપોરના આશરે પોણા ત્રણથી ત્રણ વાગ્યાના અરસામાં રોટરી વાલ્વમાંથી પાવડર નીચે પડતો હોવાથી તેને રીપેર કરવા માટે મશીન ઉપર ચઢ્યા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે રીવન મિક્સર મશીનમાં પડી ગયા હતા અને અંદર ફસાઈ ગયા હતા.
મશીનમાં ફસાઈ જવાને કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. કંપનીમાં હાજર અન્ય કામદારો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને મશીનમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સને બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે મૃતકના કાકાના દીકરા સંજયકુમાર અમરસિંહ રાઠોડે કાલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







