વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં વધુ ભૂવા પડ્યા છે, તેવી ડ્રેનેજ લાઈન પર અમદાવાદ બાદ વડોદરામાં જી.આર.પી. ટેકનોલોજી આધારિત 96 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે.
શ્રેણિક પાર્કથી મુંજમહુડા, અટલાદરા પ્લાન્ટ સુધી 96 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ કરાયુ છે. આ લાઇન 72 ઇંચ ડાયામીટરની છે. અઢી કિલો મીટર લાંબી આ લાઈન દ્વારા અકોટા, મુજમહુડા, શ્રેણિક પાર્ક, બી.પી.સી રોડ વગેરે વિસ્તારનું પાણી સતત ચાલુ રહેતું હોય છે. અગાઉ આ પ્રકારની કામગીરી મુંબઈ, દિલ્હી, વારાણસીમાં પણ થઈ ચૂકી છે.આ એક એવી ટેકનોલોજી છે, જેમાં જે લાઈન પર વધુ ભૂવા પડ્યા હોય ત્યાં લાઇન બદલવાની જરૂર નહીં પડે. લાઇન રિપ્લેસ કરવાની પણ આવશ્યકતા નહીં રહે. મેન હોલ નવા બનાવી શકાશે. આ ટેકનોલોજીના આધારે જ્યાં જરૂર છે, ત્યાં પાઇપમાં સમારકામ કરીને તેની મજબૂતાઈ અને તેની ક્ષમતા પણ વધારી શકાશે, જેથી ફરી ત્યાં ભૂવા પડવાની શક્યતા ઊભી ન રહે.
જીઆરપી દ્વારા રીપેરીંગ સિલ્ટીંગ અને ડીસિલ્ટીંગ કામગીરી થઈ શકશે. જી.આર.પી પદ્ધતિથી કામ કરવાના કારણે રોડ ખોદવાની જરૂર નહીં પડે, અને તેના કારણે લોકોને અગવડતા ઊભી નહીં થાય. જ્યાં જરૂર હશે ત્યાં જ ખોદકામ કરાશે. આ કામગીરી બાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જ્યાં સુધી આખી લાઈનની 100 ટકા કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ લાઈન પર કદાચ બીજા કોઈ ભૂવા પડશે તો તેનું પણ મરામત કરાવવામાં આવશે. ગયા વર્ષે વડોદરામાં ભારે વરસાદ અને પૂર કારણે સૌથી વધુ ભૂવા પડ્યા હતા. જે લાઇન ઉપર ભૂવા પડ્યા હતા, તેનો પણ સર્વે કરવામાં આવ્યો છે. આ લાઈનો પર પણ કામગીરી કરવા સરકારની ગ્રાન્ટ મળવાની છે.
Reporter: admin