News Portal...

Breaking News :

સાવલી–ઉદલપુર સ્ટેટ હાઇવે ચાર માર્ગીય રોડનું કામ પૂરજોશમાં શરૂ

2025-12-15 17:15:12
સાવલી–ઉદલપુર સ્ટેટ હાઇવે ચાર માર્ગીય રોડનું કામ પૂરજોશમાં શરૂ


સાવલી તાલુકામાંથી પસાર થતો અને સાવલીને ઉદલપુર તેમજ પંચમહાલ–મહીસાગર જિલ્લાઓ સાથે જોડતો સ્ટેટ હાઇવે મધ્ય ગુજરાતનો અત્યંત વ્યસ્ત માર્ગ ગણાય છે. 


આ માર્ગની આજુબાજુ મોટા પાયે મેટલની ખાણો અને રેતીની લીઝો આવેલી હોવાથી ૨૪ કલાક વિશાળકાય ટ્રકોની ભારે અવરજવર રહેતી હતી. સિંગલ વે રોડ હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા, જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો તો ઘણા લોકોને ગંભીર ઈજાઓ સાથે આજીવન અપંગતાનો સામનો કરવો પડ્યો હતો.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ૩૮ કિલોમીટર લાંબા ચાર માર્ગીય ધોરીમાર્ગ માટે રૂ. ૩૮૯ કરોડ જેટલી વિશાળ રકમ ફાળવવામાં આવી છે. હાલ સાવલી પોલીસ સ્ટેશનથી લઈને ઉદલપુર સુધી ચાર માર્ગીય રોડનું કામ  ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.


ચાર માર્ગીય ધોરીમાર્ગ બની જતાં ધંધાકીય હેરફેર સરળ બનશે તેમજ સામાન્ય લોકો માટે પણ અવરજવર વધુ સુરક્ષિત અને સુગમ બનશે. ડબલ વે બનવાથી સામસામે આવતાં વાહનોની સમસ્યા દૂર થશે, ઓવરટેકિંગ સરળ બનશે અને એકસાથે ચાર વાહનો દબાણ વિના ચાલી શકશે, જેના કારણે અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત, રોડની આજુબાજુ સરકારી જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર થવાથી માર્ગ પહોળો અને વ્યવસ્થિત બનશે. સાવલીથી ઉદલપુર ઓછા સમયમાં પહોંચવું શક્ય બનશે, માલ વાહક વાહનો સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે.ચાર માર્ગીય ધોરીમાર્ગનું કામ પૂર્ણ થતાં સાવલી તાલુકાના વિકાસને નવી ગતિ મળશે અને લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

Reporter: admin

Related Post