પાલિકામાં પણ અધિકારીઓ "વર્ક ફ્રોમ હોમ" કરતા થઈ ગયા છે. હાલમાં દિવાળી છે. કોન્ટ્રાક્ટરો- બિલ્ડરો- વગદાર નાગરિકો મોંઘી ગિફ્ટ અને કવર લઈને આવતા હોય છે. આ વ્યવહાર ઘરે કરવાથી ઠીક પડે છે. ગીવ એન્ડ ટેક ની ચર્ચા ખુલ્લા મનથી થાય છે.

સાહેબ ફિલ્ડમાં ગયા છે..ક્યારે આવે તે નક્કી નથી!!
અત્યાર તો દિવાળી છે. ઘરે રહેવાના કારણો કે ફિલ્ડમાં રહેવાના કારણો ગિફ્ટ-કવર છે.પણ ચાલુ દિવસોમાં પણ આ લોકો ઓફિસમાં રહેવાનું પસંદ ઓછું કરે છે.ખાનગી કચેરીઓમાં કે કોર્પોરેશનની અન્ય મિલકતોમાં બેઠક કરી ગોઠવણ થાય છે!!*
પાલિકા અધિકારીઓના ‘પોલ મારો’ વ્યવહારથી નાગરિકો હેરાન
મ્યુનિસિપલ કમિશનર અને વિભાગીય અધિકારીઓ મિટીંગોમાં વ્યસ્ત, તો કર્મચારીઓ રહે છે મસ્ત અને પ્રજાની લાગણી થઇ જાય છે ધ્વસ્ત....
વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકો સતત પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઇને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની મુલાકાત લેતા હોય છે. સોમવાર અને ગુરુવારનો સમય ખાસ આવા મુલાકાતીઓ માટે ફળવાયેલો છે. આ સમયે નાગરિકો અધિકારી સમક્ષ પોતાની સીધી રજૂઆત કરી શકે છે. જો કે તેમ છતાં, હાલના સમયમાં મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના તમામ વિભાગીય અધિકારીઓ મીટિંગોમાં વ્યસ્ત રહેતા જોવા મળે છે. જેનાથી નાગરિકોને તેમના વિવધ પ્રશ્નો માટે સીધો સંપર્ક થતો નથી. મ્યુનિસિપલ કમિશનર ઘણીવાર ગાંધીનગર મીટિંગ અને ફોર્મલ મીટિંગમાં વ્યસ્ત રહેતા હોય છે, જે પાલિકા કચેરીમાં નાગરિકોને મળવાનું મુશ્કેલ બનાવે છે. જો કે મ્યુનિ.કમિશનર ભલે ના મળી શકતા હોય પણ અન્ય અધિકારીઓ તો મળી શકે છે. કમિશનરના રસ્તે ચાલીને અન્ય વિભાગીય અધિકારીઓ પણ મોટાભાગે કચેરીઓમાં હાજર રહેતા નથી. કોર્પોરેશનના મહત્વના વિભાગ એવા બાંધકામ વિભાગના ટીડીઓ સહિતના વિભાગના કર્મચારીઓ પણ કામની વ્યસ્તતાને કારણ બનાવીને કચેરીમાં હાજરી ટાળતા હોય છે. તેઓ મીટિંગમાં હોવાનાં અથવા ફિલ્ડમાં હોવાના બહાના બનાવતા રહે છે. નાગરિકોની ફરિયાદોને લઈને આવતા અરજદારોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી અને લોકોના કામ થતાં નથી પણ આ અધિકારીઓને લોકોની કંઇ પડી નથી. બીજી તરફ વડોદરા શહેરના પ્રથમ નાગરિક ‘પોલ મારો’ની સ્પર્ધામાં આગળ વધતા, મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ પોતાનું કાર્ય નાગરિકોની માંગણીના બદલે મીટિંગ અને કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. નાગરિકો દ્વારા રજૂઆત કરેલી અરજીઓનો અધિકારીઓ કોઈ સીધો જવાબ આપતા નથી, જેના કારણે નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ જોવા મળે છે. કમિશનરે અગાઉ તમામ અધિકારીઓને નિયત સમયમાં નાગરિકોની રજૂઆત સાંભળવા જણાવેલું છે પણ અધિકારીઓ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા છે.

બાંધકામ વિભાગ સહીત અન્ય વિભાગના અધિકારીઓ ‘બહાર રહેવાથી’ ચિંતાનો મુદ્દો
મહાનગરપાલિકાના બાંધકામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં હાજર રહેવાનું ટાળી રહ્યા છે, તેઓ મીટિંગ્સ અને ફિલ્ડમાં કામના બહાના બનાવી રહ્યા છે. નાગરિકો જ્યારે પોતાને લગતી સમસ્યાઓ અંગેની અરજીઓ લઈને આવે ત્યારે તેમને સીધો અને યોગ્ય જવાબ મળતો નથી. ટીડીઓ અને અન્ય વિભાગના કર્મચારીઓએ કામની વ્યસ્તતા દર્શાવી કચેરીમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે. ટીડીઓની બહાર પણ નોટિસ મારી છે કે સાંજે 4 થી 6 માં મળશે. બોલો અધિકારીઓ પોતાની જાતને સુપર કમિશનર સમજતા થઇ ગયા છે. નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં ન આવતા, અરજદારો નારાજ અને અસંતોષ વ્યક્ત કરતા નજરે પડે છે.
મેયર પણ લોકોને મળતા નથી.
આ બાજુ જેમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, પ્રજાએ જેમને પોતાનો અમુલ્ય મત આપ્યો છે તેવા મેયર પણ નાગરીકોને મળતા નથી અને તેમના રસ્તે ડેપ્યુટી મેયર, પક્ષના નેતા મનોજ પટેલ ( મંછો ), દંડક શૈલેષ પાટિલ પણ ચાલી રહ્યા છે. મેયર પિંકી સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પોતાના કાર્યમાં , સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત રહી, નાગરિકોને મળવાનું ટાળતા, પાલિકામાં ‘પોલ મારો’ની સ્પર્ધામાં અગ્રેસર બની રહ્યા છે. તેમણે પણ રોજ એક નિયત સમય નક્કી કરીને પ્રજાને મળવું જોઇએ પણ પ્રજાના સવાલોથી ભાગી રહેલા મેયર ક્યારેય પ્રજાને મળતા નથી, તે જગજાહેર વાત છે.મેયરની સુરક્ષા વ્યવસ્થા પાછળ આટલો ખર્ચ અગાઉ ક્યારેય કરાયો નથી. આટલા મોંઘા મેયર પાસે જનતાના પ્રશ્નોને સાંભળવામાં રસ જ નથી.



Reporter: admin







