News Portal...

Breaking News :

કલાત્મક શક્તિને ઉજાગર કરી આત્મનિર્ભર નારી બનાવવાની દિશામાં નારી સંરક્ષણ કેન્દ્ર

2025-12-13 16:54:35
કલાત્મક શક્તિને ઉજાગર કરી આત્મનિર્ભર નારી બનાવવાની દિશામાં નારી સંરક્ષણ કેન્દ્ર


નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે આશ્રિત બહેનોને વિવિધ કલાઓની તાલીમ આપી કલા-કૌશલ્ય દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો નાનો પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસ છે.- નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર હેતાક્ષી ચાંપાનેરી



વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય હોવાનું રાજ્ય સરકાર માને છે. આ દિશામાં મહિલાઓના સામાજિક તથા આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ પ્રયાસના ભાગરૂપે વડોદરા જિલ્લાના નિઝામપુરા વિસ્તારમાં કાર્યરત નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા આશ્રિત મહિલાઓમાં રહેલી કલાત્મક શક્તિને ઉજાગર કરી તેમને આત્મનિર્ભર બનાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.નારી સંરક્ષણ કેન્દ્રમાં હાલમાં અંદાજે ૪૦ જેટલી મહિલાઓ આશ્રિત છે. કેન્દ્ર ખાતે મહિલાઓને વિવિધ કલાત્મક વસ્તુઓ તૈયાર કરવાની તાલીમ સાથે સાથે પ્રોડક્ટની કિંમત નક્કી કરવી, પેકેજિંગ, પ્રદર્શન, સ્ટોલ મેનેજમેન્ટ તેમજ સ્ટોલ પર લે-વેચની પ્રક્રિયા અંગે પણ વ્યાવહારિક તાલીમ આપવામાં આવે છે. મહિલાઓની રસ-રુચિ અનુસાર અલગ-અલગ પ્રકારની કારીગરી શીખવવામાં આવે છે.આ તાલીમ હેઠળ બહેનો દ્વારા સ્કોરલ પેઈન્ટીંગ, કેનવાસ પેઇન્ટિંગ, ભરતકામ, ટેબલ રનર, રાખડી, માટીના દીવા, લીપણ આર્ટ, મિરર વર્ક, આરતીની થાળી તેમજ બોટલ પર સજાવટ જેવી વિવિધ પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળી કલાત્મક પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર ખાતેના સ્ટોલ મારફતે તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત વિવિધ પ્રદર્શનોમાં નિઃશુલ્ક ફાળવવામાં આવેલા સ્ટોલ પર બહેનો દ્વારા જાતે કરવામાં આવે છે. જેમાંથી પ્રાપ્ત થતી આવક બહેનોમાં જ વહેંચવામાં આવે છે.નારી સંરક્ષણ કેન્દ્ર, નિઝામપુરાના મેનેજર હેતાક્ષીબેન ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા ફાળવવામાં આવેલ આર્ટ એન્ડ કાફ્ટના પ્રશિક્ષિત શિક્ષકો મારફતે આશ્રિત બહેનોને વિવિધ કલાઓની તાલીમ આપવામાં આવે છે. 


આ કલા-કૌશલ્ય દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવાનો નાનો પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી જ્યારે બહેનનું પોતાના પરિવારમાં પુનઃસ્થાપન થાય ત્યારે તે ઘરે રહીને પણ શીખેલી કલા દ્વારા આવક મેળવવા સક્ષમ બને છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બહેનોને આર્થિક રીતે પગભર બનાવવા માટે નાગરિકોને કેન્દ્ર ખાતે યોજાતા સ્ટોલ પ્રદર્શન નિહાળવા તેમજ વિવિધ મેળાઓમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો ખરીદી તેમને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવે છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્ય વ્યાપી મેળામાં વડોદરા શહેરમાં આગામી તા.૧૭થી ૧૯ એમ ત્રણ દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં નારી સંરક્ષણ ગૃહ ઉપરાંત વિવિધ વિભાગોના કુલ ૧૦૦ સ્ટોલ લગાવવામાં આવશે જેની મુલાકાત લઇ ખરીદી કરી મહિલાઓને આર્થીક રીતે પગભર બનવા મદદરૂપ બનવાની ઉત્તમ તક છે.અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી, દિવ્યાંગ, માનસિક બીમારીથી પીડિત તેમજ માનવ તસ્કરી સંબંધિત ૧૮ થી ૫૯ વર્ષની વયની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. કેન્દ્ર ખાતે બહેનોને શૈક્ષણિક, આરોગ્યલક્ષી સુવિધાઓ સાથે સાથે આર્થિક ઉપાર્જન માટેની તાલીમ, કાઉન્સેલિંગ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેથી બહેનનું પરિવાર સાથે યોગ્ય પુનઃસ્થાપન શક્ય બને.


Reporter: admin

Related Post