વડોદરા : સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાન દ્વારા પ્રેરિત અમૃત ૨.૦ અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે ‘વુમન ફોર ટ્રી’ (મહિલાઓ વૃક્ષો માટે) નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ડભોઇ નગરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વ સહાય જુથો દ્વારા ડભોઇ નગરમાં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ અભિયાન દ્વારા પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક પહેલ છે. વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુનના રોજથી કરવામાં આવશે. જે અંતર્ગત નગરના પસંદ કરવામાં આવેલ સ્થળો જેવા કે તળાવ, બાગબગીચા વગેરેની મુલાકાત પાંચ સ્વ સહાય જુથની ૨૫ બહેનો દ્વારા કરવામાં આવી. જ્યાં તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. અને તેની નિભાવણી પણ જુથની બહેનો દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે સ્થળ મુલાકાત પહેલા સ્વ સહાય જુથની બહેનો માટે અત્રેની કચેરી ખાતે તેઓના પ્રોત્સાહન અને પ્રેરણા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અત્રેની કચેરીના પ્રમુખ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો હાજર રહ્યા હતાં. પ્રમુખ દ્વારા સ્વ સહાય જુથની બહેનોને આ સરાહનીય કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ તેઓ આ કામગીરી સારી રીતે કરી શકે તે માટે પ્રોત્સાહન રૂપે હેન્ડબેગ, પાણીની બોટલ, ડાયરી અને પેનની કિટ પણ વિતરણ કરવામાં આવી. અમૃત ૨.૦ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી, ઉછેર વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને આ પ્રસંગે નગરપાલિકા ખાતે આજના આ કાર્યક્રમમા આ યોજનાના મેનેજર અર્ચનાબેન પરમાર ત્તથા નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



Reporter: admin







