News Portal...

Breaking News :

વિજ્ઞાનીના ઘરેથી ઘરઘાટી મહિલા 19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરીને ફરાર

2025-05-30 18:10:13
વિજ્ઞાનીના ઘરેથી ઘરઘાટી મહિલા 19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરીને ફરાર


અમદાવાદ : પાલડી વિસ્તારમાં રહેતા વિજ્ઞાનીના ઘરેથી ઘરઘાટી મહિલા જ રૂ. 19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ઘરઘાટી મહિલાની ધરપકડ કરી લીધી છે.



મળતી માહિતી મુજબ, અમદાવાદના પાલડીમાં રહેતા અને ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વિજ્ઞાની તરીકે ફરજ બજાવતા ધરા પટેલ તેમના પતિ હરીન પટેલ અને બાળકો સાથે 22 મેના રોજ દ્વારકાના પ્રવાસે ગયા હતા. પરિવાર 25 મેના રોજ ઘરે પરત ફર્યો, ત્યારે તેમને આઘાત લાગ્યો. ઘરમાંથી કુલ રૂ. 19.55 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ ગાયબ હતા. આ અંગે પરિવારે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને વિજ્ઞાનીના  ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતી ભૂમિકા સોલંકી નામની મહિલા પર શંકા જતા તેની પૂછપરછ કરતા સમગ્ર ભેદ ઉકેલાયો.


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિજ્ઞાની ધરા પટેલે લગભગ દોઢ વર્ષ પહેલાં ભૂમિકા સોલંકીને નોકરીએ રાખી હતી. ભૂમિકાએ પોતાને પતિથી પીડિત હોવાનું જણાવતા, ધરા પટેલે દયા રાખીને તેને ઘરમાં કામ કરવા રાખી હતી. જોકે, આ દયાનો લાભ ઉઠાવીને ભૂમિકાએ જ ઘરમાં ચોરી કરી હતી.પોલીસે ચોરી થયેલા સોનાના દાગીનામાંથી કેટલાક દાગીના અને રૂ. 50 હજાર રોકડા કબજે કર્યા છે. જોકે, હજુ પણ અન્ય મુદ્દામાલ મળવાનો બાકી હોવાથી પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરકામ માટે રાખવામાં આવતા લોકોનું બૅકગ્રાઉન્ડ તપાસવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Reporter: admin

Related Post