તમામ પ્રકારના વાતાવરણનો સામનો કરવો પડશે અને હું તેના માટે તૈયાર છું..વડોદરાની એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારીએ વહેલી સવારે તેની વડોદરાથી લંડનની ૧૫ હજાર કિલોમીટરની મહા સાયકલ યાત્રા પોતાની માતાના આશીર્વાદની તાકાત મેળવી શરૂ કરી હતી.માતાજી એ તેના ભાલે કુમકુમ અને અક્ષતનું તિલક કરીને ભરેલા હૈયે એને વિદાય આપી હતી.શહેર પોલીસ કમિશનર નર્સિમ્હા કોમાર,સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,ભારતથી લંડનના મોટર સાયકલ પ્રવાસના અનુભવી અને પત્રકાર પ્રકાશક કુમાર શાહ અને શુભેચ્છક સમુદાય નિશાને વિદાય આપવા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉપસ્થિત રહ્યો હતો.
તેની સાથે તેના કોચ નિલેશ બારોટ અને બેક અપ ટીમ મોટર વાહનમાં જોડાઈ છે.તેનું પ્રથમ રોકાણ આજે અમદાવાદમાં કરશે જ્યાના શુભેચ્છકો તેને આવકારવા ઉત્સુક છે એવું તેણે જણાવ્યું હતું.હું દૈનિક ૧૦૦ કિમી જેટલું સાયકલિંગ કરવાનું લક્ષ્ય રાખું છું અને જરુર પડે અને વાતાવરણ અનુકુળ હોય તો ૧૫૦ કિમીનો પ્રવાસ કરવાની મારી તૈયારી છે એવી જાણકારી આપતાં તેણે જણાવ્યું કે પ્રવાસ માર્ગમાં જંગલો, રણ,ઊંચાઈ વાળા વિસ્તારો,ખૂબ ગરમ અને ખૂબ ઠંડા ઉષ્ણતામાન વાળા વિસ્તારો,બરફ છવાયેલા ક્ષેત્રો,આ બધું જ આવવાનું છે અને હું તમામ પ્રકારના વિષમ વાતાવરણનો સામનો કરીને મારો પ્રવાસ આગળ વધારવા સજ્જ છું.તેનો આ આત્મવિશ્વાસ તેની યાત્રાને સફળ બનાવવામાં નિર્ણાયક પુરવાર થશે કારણકે ભારત,નેપાળ,તિબેટ,હિમાલયના પાછળના ભાગે થી ચીન ,સિલ્ક રૂટ, ઉઝબેકિસ્તાનનો ખૂબ ગરમ અને વૃક્ષ વગરનો વેરાન પ્રદેશ, રશિયા અને યુરોપના અતિ ઠંડા પ્રદેશોમાં થઈને આવો સાયકલ પ્રવાસ વિશ્વમાં પહેલીવાર નિશાએ હાથ ધર્યો છે.
આ રૂટ પર મોટર સાયકલ યાત્રાના અનુભવી કુમાર શાહે જણાવ્યું કે આ માર્ગ પર સાયકલ યાત્રાનું આ ગાડું સાહસ કરનારી પ્રથમ વ્યક્તિ નિશા છે અને એનો પ્રચંડ આત્મ વિશ્વાસ વિકટ પડકારોને પહોંચી વળવામાં તેને મદદ કરશે.નિશાને આ પ્રકારની લાંબી અને વિકટ સાયકલ યાત્રા માટે જરૂરી કાર્બન ફાઇબરની ફ્રેમ વાળી હલકી અને ખડતલ બે સાયકલો સુરતના પ્રતિભા ફાઉન્ડેશનએ લગભગ પોણા ચાર લાખ રૂપિયા ખર્ચીને ઉપલબ્ધ કરાવી છે.આ પૈકી એક સાયકલ સપાટ પાકા રસ્તા માટે અને બીજી સાયકલ પહાડી અને ખડકાળ રસ્તાઓ પર પ્રવાસ માટે અનુકૂળ છે.પ્રવાસ માર્ગ લગભગ ૧૭ દેશોમાંથી પસાર થાય છે જેના વિઝા લાસ્ટ કન્ટ્રી ફર્સ્ટ એ રીતે મેળવવામાં આવ્યા છે.માર્ગમાં ઉઝબેકિસ્તાન નો લાંબો અને સુકો વિસ્તાર આવે છે જ્યાં કિલોમીટરો સુધી કોઈ ગામ,કોઈ વ્યક્તિ કે નાના મોટા વાહન રસ્તા પર જોવા મળતા નથી.આખો રસ્તો લગભગ વૃક્ષો વગરનો અને દિવસે ૪૬ ડિગ્રી જેટલું ધગધગતું ઉષ્ણતામાન અને રાત્રે ૧૨ ડિગ્રી જેટલો ઠાર એ પ્રકારના ઉષ્ણતામાન વાળો છે.નિશાનો હેતુ આ સાયકલ યાત્રા દ્વારા change before climate change નો પ્રકૃતિ રક્ષક સંદેશ આપવાનો છે. એ રોકાણના પ્રત્યેક સ્થળે યજમાનોની મદદથી એક છોડ રોપશે અને ઉછેરવા માટે એ લોકોને સોંપશે. ૧૮૦ થી ૨૦૦ દિવસમાં યાત્રા પૂરી થવાની ધારણા છે પણ સંજોગો અનુકૂળ ના હોય તો ૨૪૦ દિવસ પણ લાગી શકે છે.નિશા એક વાતે ખૂબ ઉત્સાહી છે કે જગતના ૧૭ દેશોમાં એ ભારતીય રાષ્ટ્ર ધ્વજ લહેરાવતી પસાર થવાની છે.નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ટીમના ચક્રો ગતિમાન છે અને એમના આશીર્વાદ મળવાની એને શ્રધ્ધા છે.એવરેસ્ટ વિજેતા બનવા બદલ નિશાને ગુજરાત સરકારે રૂ.૧૫ લાખની પ્રોત્સાહક સહાય આપી હતી. એ અદાણી સમૂહ સહિત તમામ મદદગારો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માને છે.ગુજરાતની દીકરીના આ સાહસ ની પ્રસ્થાન વખતે વડોદરાએ અને ગુજરાતે જોઈએ તેટલી નોંધ ભલે લીધી ના હોય,નિશા આ અભિયાન પૂરું કરી દેશને ગૌરવ અપાવવાના સંકલ્પ સાથે નીકળી ત્યારે નર્મદ પંક્તિઓ ' યા હોમ કરી ને પડો ફતેહ છે આગે ' જાણે કે હવામાં ગુંજતી હતી...
Reporter: News Plus