News Portal...

Breaking News :

ભારતે હંમેશાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું અનિવાર્ય : રાજનાથ સિંહ

2025-10-28 11:50:23
ભારતે હંમેશાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું અનિવાર્ય : રાજનાથ સિંહ


દિલ્હી: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હંમેશાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે. 


તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે ચાર દિવસનો લશ્કરી સંઘર્ષ થયો, તેણે એ સાબિત કરી આપ્યું કે કોઈપણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે છે. આ લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને કડક જવાબ આપ્યો હતો.રાજનાથ સિંહે કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર ભારત માટે એક કેસ સ્ટડી છે, જેના આધારે દેશે ભવિષ્યની સુરક્ષા વ્યૂહરચનાઓની દિશા નક્કી કરવી જોઈએ. આ ઓપરેશનમાં સ્વદેશી સૈન્ય ઉપકરણોનો અસરકારક ઉપયોગ થયો, જેનાથી ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની. 


અમે દૃઢ સંકલ્પ અને ચોક્કસ જવાબ આપ્યો, પરંતુ અમારે આત્મનિરીક્ષણ ચાલુ રાખવું પડશે. સરહદો પર ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે, તેથી દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે.'રાજનાથ સિંહના મતે, 'વૈશ્વિક અસ્થિરતાના વર્તમાન યુગમાં, સુરક્ષાનો સૌથી મજબૂત પાયો માત્ર ‘આત્મનિર્ભરતા’ અને ‘સ્વદેશીકરણ’ જ છે. વિશ્વ વ્યવસ્થા સતત નબળી પડી રહી છે અને જુદા જુદા ક્ષેત્રોમાં સંઘર્ષો વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે તેની સુરક્ષા વ્યૂહરચનાને નવેસરથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે.'તેમણે આગળ જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર દરમિયાન, દુનિયાએ આકાશ મિસાઇલ સિસ્ટમ, બ્રહ્મોસ મિસાઇલ, આકાશતીર એર ડિફેન્સ સિસ્ટમ સહિતના અન્ય સ્વદેશી પ્લેટફોર્મ્સની ક્ષમતા જોઈ.'રાજનાથ સિંહે જણાવ્યું કે, 'ઓપરેશનની સફળતાનો શ્રેય માત્ર ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાને જ નથી જતો, પરંતુ નવીનતા, ડિઝાઇન અને નિર્માણના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા તે 'ઇન્ડસ્ટ્રી વોરિયર્સ'ને પણ જાય છે.' તેમના મતે, ભારતીય ઉદ્યોગ હવે સંરક્ષણ ક્ષેત્રનો ચોથો આધારસ્તંભ બની ગયો છે.

Reporter: admin

Related Post