News Portal...

Breaking News :

ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેય યુવકોને મુક્ત કરાવી દેવામાં આવ્યા

2025-10-28 10:54:53
ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેય યુવકોને મુક્ત કરાવી દેવામાં આવ્યા


ગાંધીનગર: ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકોને ઑસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવવામાં આવ્યા હતા. 

 


રાહતના સમાચાર એ છે કે લાંબી જહેમત અને ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેય યુવકોને મુક્ત કરાવી દેવામાં આવ્યા છે અને તેઓ ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે.બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. 


અપહરણકર્તાઓએ આ યુવકોને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરવામાં આવતી હતી. આ ક્રૂરતાનો વીડિયો અપહરણકર્તાઓએ વોટ્સએપ દ્વારા પરિવારજનોને મોકલ્યો હતો, જેમાં યુવકો "હવે સહન થતું નથી" કહીને કરગરતા જોવા મળ્યા હતા. અપહરણકર્તાઓએ શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.બાપુપુરાના સરપંચ પ્રકાશ ચૌધરીએ આપેલી માહિતી મુજબ, પરિવારોએ લાંબી વાટાઘાટો બાદ અંતે 50 લાખ રૂપિયાની રકમ ચૂકવીને પોતાના સ્વજનોનો છૂટકારો કરાવ્યો છે. આ યુવકો હાલ ઈરાનથી ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે.

Reporter:

Related Post