News Portal...

Breaking News :

રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ પર તવાઈની ઝુંબેશ શહેર પોલીસનું ખૂબ આવકાર્ય અભિયાન આવું અભિયાન નંબર પ્લેટનું ચલાવવાની જરૂર છે..

2024-06-23 16:49:03
રોંગ સાઇડ વાહન ચલાવનારાઓ પર તવાઈની ઝુંબેશ શહેર પોલીસનું ખૂબ આવકાર્ય અભિયાન આવું અભિયાન નંબર પ્લેટનું ચલાવવાની જરૂર છે..


અમદાવાદના પગલે વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાએ એના ઇતિહાસમાં કદાચ પહેલીવાર ખોટી દિશામાં થી વાહન લઈને ધસી અને ઘૂસી આવનારાઓને પકડી પકડીને દંડ કરવાની ઝુંબેશ આદરી છે.આ ખૂબ આવકાર્ય છે કારણ કે રોંગ સાઈડ વાહન હંકારનારાઓ અન્ય યોગ્ય દિશામાં જતાં વાહન ચાલકોને અને રાહદારીઓને અકસ્માતના ભય હેઠળ મૂકે છે.પહેલા દિવસે ૧૪૬ જેટલા કાયદાભંજકો ને પકડીને દંડ વસૂલ કરવામાં આવ્યો છે અથવા મેમો આપવામાં આવ્યો છે.આ નિયમભંગની લાયસન્સ માટે એક ગુના તરીકે નોંધ થતી હોય તો વધુ ધાક બેસશે.


અમદાવાદમાં લોકોને રોંગ સાઈડ વાહન ચલાવતા અટકાવવા કાંટાળી અડચણો મૂકવાની પોલીસ કાર્યવાહી નો કેટલાકે તોડ શોધી કાઢ્યો હતો.એટલે આ લોકોને ઝાલી ઝાલીને દંડ ફટકાર્યા વગર છૂટકો નથી.જો કે કાયદાઓ કાયમી છે તો એકાદ સપ્તાહ માટે ઝુંબેશ ચલાવવાની સાથે દૈનિક આ પ્રકારના કેસો કરવાની સૂચના આપવી જોઈએ.કાયદાનો અમલ તો કાયમી જ કરાવવો જોઈએ.અને શાળાઓ શરૂ થવા અને છૂટવાના સમયે રોંગ સાઇડ ડ્રાઇવ શાળાઓ વાળા વિસ્તારોમાં કરવાની ખૂબ જરૂર છે.કારણ કે રોડ પર આવેલી શાળાઓ માં બાળકોને મૂકવા જતી ગૃહિણીઓ,વાલીઓ અને શાળા વાનના ચાલકો બેફામ રોંગ સાઈડ હંકારે છે.એમનું જોઈને સાયકલ પર આવતા વિદ્યાર્થીઓ રોંગ સાઇડ આવે છે.કદાચ રોંગ સાઇડ માટે કુખ્યાત ચાર રસ્તાઓ પર વિશેષ સાઈડ ફેસિંગ સી.સી.ટીવી લગાવીને આ ગુનો કરવા ટેવાયેલા રીઢા લોકોને ઝડપી શકાય તો અસરકારકતા વધશે.તેની સાથે રસ્તાઓ પર ઠેર ઠેર વળાંક માટે કટ મૂક્યા હોય તો એની સંખ્યા ઘટાડવી જરૂરી છે.જેટલા વધુ કટ વાહન વ્યવહાર એટલો વધુ અટકે અને ધીમો પડે.અસંખ્ય કટ સાથેના રસ્તાઓ સ્માર્ટ સિટી ની કલ્પના સાથે સુસંગત નથી.મુંબઈ જેવા મહાનગરો માં રસ્તાઓ આવા શોર્ટ કટ વગરના છે.ગુજરાતના ઓછામાં ઓછું સાત મહાનગરોમાં તેનો અમલ જરૂર કરવો જોઈએ.વધુ એક અનિયમિતતા નંબર પ્લેટની બાબતમાં છે.તેના માટેના ચોક્કસ નિયમો હોવા છતાં નંબર પ્લેટ પર લોકો મનફાવે તેવા લખાણો લખે છે અને સહેલાઇ થી વંચાય નહિ એવી ડિઝાઇન માં ચિતરાવે છે. આપણે ત્યાં તો માત્ર આગળ પાછળ નહિ બંને પડખે નંબર પ્લેટ લખવી ફરજિયાત કરવા જેવું છે.અને તેના ગુનેગારો ને ચકોર નજર રાખીને પ્રત્યેક ચાર રસ્તે ઝડપી પાડી શકાય.


અને વાહનની આગળ પાછળ ફલાણી ફલાણી સંસ્થાના અધ્યક્ષ,સચિવ, મહામંત્રી,સરપંચ અને ઘણા કેસોમાં પૂર્વ સરપંચ અને મોટે પાયે પ્રેસના પાટિયા મારીને વટ પાડવામાં આવે છે.કદાચ વાહન પર ખરા હોદ્દા કે કહેવાતા હોદ્દાના પાટિયા લગાવીને પોલીસ પર ધાક ભારતમાં જ સહેલાઇ થી જમાવી શકાય છે.એટલે જ્યાં દેખાય ત્યાં આ પાટિયા ઉતરાવિને જપ્ત કરવાની અને યોગ્ય દંડ ફટકારવાની જરૂર છે.તેની પણ લાયસન્સ રદ કરવા યોગ્ય ગુનાઓ ની શ્રેણીમાં નોંધ કરવાની કાયદાથી જોગવાઈ કરવાની જરૂર છે.તો વળી પોલીસ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો નંબર પ્લેટ પર પોલીસ કલર ચિતરાવે છે. કાર જેવા વાહનોમાં આગળના મોટા કાંચની પાછળ પોલીસ લખેલા અને પોલીસ કલરમાં ચીતરેલા પાટિયા મૂકે છે.તમે પ્રેસમાં હો કે પોલીસમાં, એ તમારો વિશેષાધિકાર નથી.કેટલાક મહેસૂલી તંત્રના લોકો પોતાના ખાનગી વાહનોમાં મામલતદાર,નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેવા લખાણોના પાટિયા મૂકે છે કે જડી દે છે.અગાઉ સરકારી ઝુંબેશ હેઠળ સરકારી વાહનો પરથી હોદ્દા સૂચક પાટિયા ઉતરાવવામાં આવ્યા હતા.હવે ફરીથી વધી ગયા છે.તેની સાથે માનવ અધિકાર પંચ અને લાંચ રૂશ્વત વિભાગ,સી.આઈ.ડી,સી.બી.આઈ.જેવી સંસ્થાઓના હોય તેવા ભળતાં નામના પાટિયા મૂકીને લોકોને,ટોલ બુથ કર્મચારીઓને ડરાવવાની ટેકટીસ પ્રચલિત છે.તેની સામે દાખલા કાર્યવાહી થવી જોઈએ.એટલે હાલની ઝુંબેશ આવકાર્ય છે.પરંતુ ટ્રાફિકના કાયદાભંજકો ને રોજ પકડવા જોઈએ અને દર મહિને બે ચાર દિવસના અભિયાન કરવા જોઈએ.ટ્રાફિકની શિસ્ત ને સૌ થી વધુ હળવાશ થી લેવામાં આવે છે. એ બેફિકરાઈ ની મનોવૃત્તિ કડકાઈ આચરીને જ સુધારી શકાશે.જો કે વર્તમાન ઝુંબેશ માટે ટ્રાફિક શાખાના નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર ને અભિનંદન.શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારે, તેમના પુરોગામી શ્રી અનુપમસિંહજી ની સોશિયલ પોલીસિંગ ની નીતિ ચાલુ રાખી છે.ગણેશ મંડળોની રજૂઆતો નું સારું નિરાકરણ આણ્યું છે એ વડોદરા માટે શુભ સંકેત ગણાય

Reporter: News Plus

Related Post