અમદાવાદ: રેલ્વે પોલીસે રવિવારે 26 ઑક્ટોબરએ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) ઍક્ટ હેઠળ એક મોટી કાર્યવાહીમાં હિંમતનગર રેલ્વે સ્ટેશન પરથી 79 લાખથી વધુની કિંમતનો એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થો એક બિનવારસી બેગમાંથી મળી આવ્યો હતો.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આ ગ્રે રંગની સોલ્ડર બેગ સવારે લગભગ 9 વાગ્યે હિંમતનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2/3 પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ કોચ નજીક મળી આવી હતી. રુટિન તપાસ દરમિયાન હિંમતનગર રેલ્વે આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલનું સૌથી પહેલાં આ બેગ ઉપર ધ્યાન ગયું હતું. જોકે, કોઈ પણ મુસાફર બેગ લેવા આગળ ન આવતા, પોલીસે પ્રાથમિક તપાસ કરી અને તેમાં માદક પદાર્થ હોવાની શંકા ગઈ. ત્યાર બાદ આ અંગે તુરંત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
પોલીસ પ્રોટોકોલ મુજબ, પંચ સાક્ષીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ટીમે બેગ ખોલી તો તેમાંથી કપડાં અને ખાખી સેલોટેપમાં લપેટાયેલા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા સ્થળ પર જ કરાયેલા ટેસ્ટમાં પુષ્ટિ થઈ કે, બે પેકેટમાં એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ હતું, જ્યારે ત્રીજું પેકેટ નેગેટિવ આવ્યું હતું. ટ્રેનમાંથી મળી આવેલા આ જથ્થાનું વજન 792.11 ગ્રામ હતું અને બદારમાં તેની કિંમત 10,000 પ્રતિ ગ્રામ લેખે કુલ 79.21 લાખ હતી.
Reporter: admin







