નાગરિકો પર કર ભારણ ઘટે એ માટે પ્રત્યેક મનપા એ આવકના સ્ત્રોતો નો વિચાર કરવો જરૂરી છે.આવો જ એક નક્કર સ્ત્રોત બની શકે છે જાહેરાતો કે હોર્ડિંગ્સ પર લેવામાં આવતી લાગત.હોર્ડિંગસ એ છાપાની જાહેરાત કરતા કદાચ સસ્તો વિકલ્પ છે અને એટલા જ ખર્ચમાં બહોળા પ્રચારની તક આપે છે.૧૦ દિવસની મુદત હોવાથી એ નિરંતર સંદેશ આપે છે.જો કે આ મુદત પળાય છે કે કેમ એ શંકા નો વિષય છે.શહેરમાં શુભેચ્છકો ખૂબ વધી ગયા છે એટલે પ્રત્યેક ચોરે ને ચૌટે એક યા બીજા કારણોસર સતત મોટા મોટા પ્રચાર પટલ લાગી જાય છે.ઘણીવાર એના થી જે તે સ્થળની શોભા બગડે છે.વાહન ચાલકોને ધ્યાન ભંગ થવાથી અકસ્માતની શક્યતા વધે છે .પરંતુ આ પ્રચાર પટલના અડાબીડ જંગલ ઉગી નીકળતા વાર નથી લાગતી.આ પૈકી કયા કાયદેસર મંજૂરી અને લાગત ચૂકવીને મૂક્યા છે અને કયા મનપા ની ઐસી કી તૈસી કરીને રોપી દીધા છે એની પરખ કરવી મુશ્કેલ છે.એટલે મનપા એ પહેલો નિયમ તો પ્રત્યેક મંજૂર કરવામાં આવેલા હોરર્ડિંગ ને એક વિશેષ નં.આપવો જોઈએ.જેમ કે vmc/ hord/૧૪૫/૨૦૨૪ અને પ્રચાર પટલ માં નીચેના ભાગે એ ફરજિયાત લખવાનો નિયમ બનાવવો જોઈએ.જેથી કાયદેસર કે બિન કાયદેસર ની ચકાસણી પહેલી નજરમાં થઈ જાય.
બીજું કે ધાર્મિક,રાજકીય, સામાજીક અને વ્યાપારિક પટલો માટે લાગત જુદી જુદી છે. અહીં ખૂબ સિફત થી ગોબાચારી આચરવામાં આવે છે.વિજયની મોસમ છે એટલે અભિનંદનો વરસી રહ્યા છે.એની આડમાં વ્યાપારિક પ્રચારનો હેતુ પાર પાડવામાં આવી રહ્યો છે.મનપા ની તિજોરીને સિફતથી ચૂનો લગાડવાનો આ કારસો છે.કીમિયાગરો ધાર્મિક,સામાજિક કે રાજકીય મતલબનું પ્રચાર પટલ બનાવે છે અને એના નીચેના ભાગે લગભગ પટલ ની ૩૦ / ૪૦ ટકા જગ્યાનો ઉપયોગ પોતાના દુકાન/ ધંધાની જાહેરાત માટે કરી લે છે.પોતાનું હોર્ડિંગ મૂકે તો વ્યાપારિક દરે વધુ લાગત ચૂકવવી પડે.એટલે અભિનંદન કે ધાર્મિક/ સામાજિક કાર્યક્રમની આડમાં ઓછી લાગત ચૂકવી પોતાનો પ્રચાર કરી લે છે.
મનપા આ અપ્રમાણિકતા ડામે તો પણ તિજોરીની સમૃદ્ધિ વધી શકે.પરંતુ જાણી જોઈને કે મજબૂરી થી આંખ આડા કાન કરવામાં આવે છે.જરૂર છે કે મનપા એવો નિયમ કરે કે જો કોઈના સૌજન્ય થી ધાર્મિક,સામાજિક કે રાજકીય પ્રચાર પટલ જાહેર કે ખાનગી મિલકત પર મૂકવામાં આવે તો એવા જાહેરાત દાતાનું નામ બોર્ડ પર સૌ થી નીચે એક લીટી માં સમાઈ જાય એ રીતે લખવાનું રહેશે.અત્યારે તો ૪૦ ટકા જગ્યામાં સૌજન્યશીલ જાહેરાત દાતા નું નામ મૂકવામાં આવે છે.આ ઓછી લાગત ચૂકવી પોતાના ધંધા/ વ્યવસાય નો પ્રચાર કરવાની લુચ્ચાઈ છે.મનપા ભોઠ નથી.એના અધિકારીઓ ને આ યુક્તિ સમજાય છે.મોટેભાગે અધિકારીઓ જ આ યુક્તિ શીખવાડે છે.એટલે જરૂર છે કે મનપા આ સંદર્ભમાં નિયમો ઘડે અને અમલમાં મૂકે.જો પ્રચાર પટલ માં એક લીટી થી વધુ જગ્યામાં સૌજન્યશીલ દાતા નું નામ લખવામાં આવે તો એમની પાસે વ્યાપારિક દરે લાગત વસૂલ કરવી જોઈએ.આ પ્રકારનો નિયમ કરવાથી અંચઈ અટકશે અને કર ભારણ વગર મનપા ની આવક વધશે..પણ આ પહેલ કોણ કરશે?
Reporter: News Plus