બર્મિંગહામ: અહીં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા એવી ઘટના થઈ જેના કારણે ફેન્સની ચિંતા વધી ગઈ હતી.
શહેરના સેન્ટેનરી સ્ક્વેરમાં એક શંકાસ્પદ પેકેટ મળ્યા બાદ બર્મિંગહામ સિટી સેન્ટર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને હોટલમાં રોકાયેલા ખેલાડીઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી. મંગળવારે બપોરે 3 વાગ્યે પોલીસને એક શંકાસ્પદ પેકેટ મળ્યાની સૂચના પ્રાપ્ત થઈ હતી. જે બાદ આસપાસના સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે અગમચેતી દાખવી અને આસપાસની ઈમારતો પણ ખાલી કરાવી દીધી. તથા લોકોને પણ તે વિસ્તારમાંથી પસાર ન થવાની સૂચના આપવામાં આવી.
ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પોલીસે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી તથા અન્ય સદસ્યોને પણ હોટલમાં જ રહેવા સૂચના આપી હતી. જોકે આ પ્રતિબંધ માટે એક કલાક માટે જ હતો. એક કલાકની તપાસ બાદ પોલીસે ફરીથી ખેલાડીઓને હોટલ બહાર જવાની છૂટ આપી દીધી હતી. નોંધનીય છે કે ઘણીવાર એક દેશથી બીજા દેશમાં ક્રિકેટ મેચ રમવા ગયેલા ખેલાડીઓ ફરવા માટે પણ નીકળતા હોય છે. એવામાં ભારતીય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આ અપીલ કરી હતી.
Reporter: admin







