વીજ બચાવો એ રાજ્ય સેવકની પ્રાથમિક જવાબદારીમાં આવે છે. વીજળી એ રાષ્ટ્રીય સંપત્તિ છે.
અધિકારીઓ કર્મચારીઓ ગુટલી મારશે, એ ચાલશે પરંતુ બંધ કેબીનમાં પંખા- લાઈટ-કોમ્પ્યુટર ચાલુ રાખીને કલાકો સુધી વીજ બાળવાથી પાલિકા અને પ્રજાને બંનેને નુકસાન છે.

પાલિકાનાં બાંધકામ વિભાગમાં બપોર બાદ અધિકારીઓ ગાયબ પણ લાઈટ-પંખા, એ.સી. ચાલુ
ગેરકાયદેસર બાંધકામો માટે મલાઇદાર વિભાગમાં બેદરકારીનાં નજાર
સરકાર એક તરફ સ્માર્ટ વીજ મીટરો લગાવી જનતાને લૂંટી રહી છે જ્યારે બીજી તરફ સરકારી, અર્ધસરકારી કચેરીઓમાં રિસેસના સમય દરમિયાન પણ જ્યાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો જેવા કે,પંખા,લાઇટો, એ.સી. ચાલુ જોવા મળી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાનાં મલાઇદાર અને ભ્રષ્ટાચાર માટે બદનામ એવા બાંધકામ શાખાની કચેરીમાં કર્મચારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના આદેશ બાદ સામાન્ય જનતાના ઘરે વીજ ચોરી ન થાય તે માટે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યાં છે પરંતુ સરકારે સૌ પ્રથમ સરકારી, અર્ધસરકારી કચેરીઓમાં, રાજકીય નેતાઓ, આગેવાનો અને ઉદ્યોગપતિઓના આવાસો, ઔધોગિક એકમો, ફાર્મહાઉસ જેવી જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લગાડવા જોઇએ કારણ કે સૌથી વધુ વીજ વપરાશ,વીજળીનો બગાડ અથવા દૂરપયોગ આ તમામ જગ્યાએ થતો હોય છે કારણ કે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં કર્મચારીઓને પોતાના ખિસ્સામાંથી વીજ બીલ ભરવાનું હોતું નથી એટલે મનફાવે તેમ વીજળીનો દૂરપયોગ કરવામાં આવી રહ્યો છે આવા જ દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાના મલાઇદાર વિભાગ અને ભ્રષ્ટાચાર માટે બદનામ ગણાતાં બાંધકામ શાખાની કચેરીમાં જોવા મળી રહ્યાં છે.કોર્પોરેશનનો બાંધકામ વિભાગ ભ્રષ્ટાચાર માટે કુખ્યાત છે પણ તેના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારની સાથે સાથે હવે કોર્પોરેશનને જ ચૂનો ચોપડી રહ્યા છે.

વિભાગનાં અધિકારી કે કર્મચારી જ્યારે કચેરીમાં ના હોય અને રિસેસ નો સમય હોય છે ત્યારે વીજ ઉપકરણો જેવા કે,લાઇટ પંખા બંધ કરી દેવા એ કર્મચારીઓની ફરજ છે પરંતુ કોના બાપની દિવાળી એ લાપરવાહી નીતિ અંતર્ગત કર્મચારીઓ લાઇટ પંખા ચાલુ રાખીને કોર્પોરેશનને ખર્ચાના ખાડામાં ઉતારી રહ્યા છે. કોર્પોરેશનના ખર્ચે અને જોખમે તાગડધિન્ના કરતા બાંધકામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને બોલવાવાળું જ કોઇ નથી જેથી તેઓ મનસ્વી વર્તન કરી રહ્યા છે. વડોદરા શહેરની મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓની ગેરહાજરી સામે આવી રહી છે. કચેરીમાં ચારથી છ વાગ્યા સુધી નાગરીકોને મળવાનો સમય હોવા છતાં બપોર બાદ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટીડીઓ) અને અન્ય કર્મચારીઓ અદ્રશ્ય થઈ જતા હોય છે. વિભાગનાં ટીડીઓ પરિમલ પટણી પોતાના કામના વ્યસ્તતાના નામે આરામ ફરમાવી લેતાં હોય છે, જ્યારે સામાન્ય નાગરિકો ફરિયાદો કે કામ લઈને આવે ત્યારે તેમને ખાલી કચેરીના દરવાજા જ જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ કે કર્મચારીઓ કચેરીમાં હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો જેવાં કે,લાઈટ અને પંખા પણ ચાલુ રાખવામાં આવે છે, જેનાથી જાહેરખર્ચનો બેફામ વેડફાટ થાય છે. “કોના બાપની દિવાળી?” એવો સવાલ નાગરિકોમાં ઉઠવા લાગ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગાંધીનગરના કામકાજમાં વ્યસ્ત હોવાથી તેમની ગેરહાજરીનો લાભ લઈ અધિકારીઓ લહેર કરી રહ્યા છે. વડોદરા પાલિકાનો બાંધકામ વિભાગ ગેરકાયદેસર બાંધકામોને પરવાનગી આપવા અને ભ્રષ્ટાચાર માટે પહેલેથી કુખ્યાત છે. આવા સમયે પ્રજાના વેરાના પૈસા વેડફાતા હોવાના દૃશ્યો સામે આવતા નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. નાગરિકોની વાજબી અરજીઓને અવગણતા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Reporter:







