બે દિવસ ગરબામાં ઠેકડા ના માર્યા હોય,આરતી ના કરી હોય, તો શું ફરક પડે છે ?
વડોદરાના નેતાઓ શરમ, સંકોચ અને સંવેદનશીલતા ભુલી ગયા, શિક્ષણ સમિતીના ચેરમેનનાં નિધનનો પણ મલાજો ના જાળવ્યો વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન નિષીધ દેસાઇનું આકસ્મિક અવસાન થયું હતું જેમાં તેમની અંતિમ યાત્રામાં ભાજપના તમામ મોટા નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. જો કે દેશના કોઇ પણ ખુણે કોઇ મહાનુભાવનું નિધન થાય તો સામાન્ય સભા પણ મોકૂફ રાખીને સંવેદનશીલતા દાખવનારા આપણા નેતાઓ એક કલાકમાં પોતાના જ શિક્ષણ સમિતીના ચેરમેનના નિધનને ભુલી ગયા હતા. વડોદરાના નેતાઓએ પોતાના નેતાના નિધનને અવગણીને તે જ દિવસે અને રાત્રે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સવારે અંતિમ સંસ્કારમાં હાજરી આપનારા નેતાઓ શોક ભુલીને રાત્રે ગરબા મહોત્સવમાં મહાલ્યા હતા. તેમને નેતાના નિધનનો કોઇ શોક ન હતો.
શહેર અધ્યક્ષ પણ વિવિધ ગરબા મંડળોમાં પહોંચ્યા હતા અને ફોટા પડાવ્યા હતા તથા તેની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી તો તેમણે જીએસટી બચત ઉત્સવના સ્ટીકરો પણ દુકાનો પર લગાવ્યા હતા. દંડક બાળુ શુક્લાએ શેરી ફેરીયાઓ માટેના લોક કલ્યાણ મેળામાં હાજરી આપીને ફોટા પડાવ્યા હતા તથા ક્રેડાઇના ગરબા મહોત્સવમાં પણ હાજરી આપી હતી. તેની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. બંને નેતાઓએ સ્વર્ગસ્થ નેતાને ભુલી જઇને પોતાની પ્રસિદ્ધીનો મોહ રાખ્યો હતો. આપણાં સાંસદ હેમાંગ જોશી તો પ્રસિદ્ધીના ભુખ્યા છે અને તેમને તો પ્રસિદ્ધ થવાનો એટલો મોહ છે કે ભુતકાળમાં તેના અસંખ્ય ઉદાહરણો પણ મળી ગયા છે. તેઓ પણ પોતાના નેતાના નિધનના શોકને ભુલીને વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં મહાલવા ગયા હતા. તો સાથે સમરસ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પરંપરા ગરબા મહોત્સવમાં પણ ગયા હતા અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડીયા પણ ગરબામાં મહાલવા પહોંચી ગયા હતા. પોતાના નેતાના નિધનને હજી ચોવીસ કલાક પણ થયા ન હતા છતાં આ નેતાઓ અને બીજા એવા ઘણા નેતાઓ હતા તે ગરબામાં કે પછી અન્ય કોઇ કાર્યક્રમોમાં ભાગ લેવા હોંશે હોંશે પહોંચી ગયા હતા તે શરમની વાત છે. સહેજ પણ સંવેદનશીલતા દાખવ્યા વગર વડોદરાના નેતાઓએ ગરબા માણ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ નેતાઓ પાછા પ્રસિદ્ધી પણ મેળવવા માગતા હતા. વડોદરાના નેતાઓ શરમ સંકોચ અને સંવેદનશીલતા ભુલી ગયા છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. મોતનો મલાજો પણ આ નેતાઓ જાળવતા નથી. જો પોતાના નેતા અને તેના પરિવાર પ્રત્યે તે સંવેદનશીલ ના હોય તો વડોદરાની જનતા પ્રત્યે તે કઇ રીતે સંવેદનશીલ હશે તે વડોદરાના લોકોએ વિચારવું રહ્યું.
Reporter: admin







