વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સંકુલમાં સ્થાયી સમિતીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને એક ખાનગી ચેનલના કેમેરામેને લાફો માર્યો હોવાની ચર્ચા પાલિકાના વર્તુળોમાં ફરતી થતાં ચકચાર મચી ગઇ હતી.
જો કે શીતલ મિસ્ત્રીએ આવી કોઇ ઘટના બની હોવા અંગે ઇન્કાર કર્યો હતો.નેતા કયા મોઢે સ્વીકારે ? વડોદરા મહાનગરપાલિકામાં દિવસ દરમિયાન લોકપ્રતિનીધીઓ અને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની અવર જવર તો રહે છે પણ સાથે સાથે શહેરીજનો પણ પોતાના વિવિધ કામો માટે અથવા પ્રશ્નોની રજૂઆતો કરવા આવતા રહે છે. પાલિકામાં જઇને રોજ પત્રકારો અને કેમેરામેનો પ્રજાના પ્રશ્નોની થતી રજૂઆતોનું કવરેજ પણ કરતા રહે છે અને પાલિકા સંકુલમાં પત્રકારો અને કેમેરામેનોની હંમેશા હાજરી જોવા મળે છે ને તે સામાન્ય બાબત છે.. જો કે ગુરુવારે બનેલી એક ઘટનાથી પાલિકાના વર્તુળોમાં ભારે ચર્ચા થઇ રહી છે. ચર્ચાતી માહિતી મુજબ સ્થાયી સમિતીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી પાસે ખાનગી ચેનલનો એક કેમેરામેન પણ ઉભો હતો અને ત્યારબાદ કોઇ મુદ્દે ચેરમેન મિસ્ત્રી અને આ કેમેરામેન વચ્ચે ચડભડ થઇ હતી.
હલકી ભાષાનો પ્રયોગ પણ થયો હતો.આ વાત ત્યારે વણસી ગઇ જ્યારે કેમેરામેને ચેરમેન મિસ્ત્રીને લાફો મારી દીધો હતો. બંને વચ્ચે ક્યા મુદ્દે બોલાચાલી થઇ જે સ્પષ્ટ થઇ શક્યું નથી પણ કેમેરામેને ચેરમેન શીતલ મિસ્ત્રીને લાફો માર્યો હોવા બાબતે ભારે ચર્ચા થઇ હતી. જો કે આ મામલે શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે આવો કોઇ બનાવ બન્યો નથી. મિસ્ત્રીના આ નિવેદન બાદ ખરેખર શું ઘટના બની હતી તે સ્પષ્ટ જાણી શકાયું નથી. આવો બનાવ બને ત્યારે ઉત્તેજના છવાય તે સ્વાભાવિક છે કે એક હોદ્દેદારને એક કેમેરામેને કેમ લાફો માર્યો? પાલિકા સિક્યુરીટી પાછળ કરોડોનો ખર્ચો કરે છે પણ નેતાઓની સલામતી નથી.બાઉન્સરોનો કાફલો આ ઘટના બની ત્યારે શું કરતા હતા,તે પણ તપાસનો વિષય છે.CCTV માં સમગ્ર ઘટના કેદ થઈ છે.ડેટા સાચવી રાખવાની જવાબદારી આઈ.ટી.વિભાગની છે.સત્ય શું છે તે જાણવું અનિવાર્ય છે.કેબીનમાં બેસીને સમાધાન થઈ ગયું તે પણ વાત છુપી રહી શકી નથી.પાલિકાનાં નેતાઓ થપ્પડ ખાઈને લાલ ગાલ રાખે તેમાં નગરજનોને શું વાંધો હોઈ શકે ?
Reporter: admin