અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપનીમાંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કંપનીના ત્રણ ડિરેક્ટર, વડોદરાના એક કન્સલ્ટન્ટ તેમજ કંપનીના કેમિસ્ટ મળી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમનુ મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ અંકલેશ્વરની કોર્ટમાં રજુ કરી ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવ્યા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ ફાર્મા ઇન્ટરમીડીયટનુ જોબ વર્ક કરતી આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમને ૫૧૮ કિલો કોકેઈનનો મોટો જથ્થો મળ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૫૦૦૦ કરોડ જેટલી થાય છે. પોલીસે ગત મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા, વિજય ભેસાણિયા તેમજ કંપનીના કેમિસ્ટ મયુર દેસલે, વડોદરાના રહીશ અને કન્સલ્ટન્ટ અમિત મૈસૂરિયાની ધડપકડ કરી હતી. ગઇ મોડી રાત્રી સુધી પોલીસે કંપનીમાં સધન શોધખોળ હાથ ધરી હતી.
પાંચ હજાર કરોડની કિંમતના કોકેઈનનું ઉત્પાદન કરતી આ કંપનીમાં સવારે પણ પ્લાન્ટ ચાલુ જોવા મળ્યો હતો. આજે સવારે પાંચેય આરોપીને અંકલેશ્વર કોર્ટમાં લઈ જવાયા હતા અને દિલ્હી પોલીસે ટ્રાન્ઝીટ રિમાન્ડની માંગ કરી હતી. ૭૨ કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી તમામ આરોપીઓને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે. દિલ્હીથી અંકલેશ્વરની આવકાર કંપનીને વડોદરાના કન્સલ્ટન્ટ મારફતે તેમની જરૃરિયાત મુજબ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ૫૧૮ કિલો કોકેઇન અંકલેશ્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યુ હોવાનુ બહાર આવતા કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો.
Reporter: admin