અમદાવાદ : રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે, લોકસભામાં નેતા વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જુલાઈ, 2024માં કહ્યું હતું કે, અમે ગુજરાતમાં મોદી અને ભાજપને હરાવીશું. જો કે, ગત વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે. ત્યારબાદ હવે રાહુલ ગાંધી ભાજપને તેના જ મજબૂત ગઢ ગુજરાતમાં ઘેરવા માગે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના એપ્રિલમાં થનારા બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનના એક મહિના પહેલા ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે, જેથી અધિવેશનમાં તેના અનુરૂપ રણનીતિ બનાવી શકાય. જો કે, ગુજરાતમાં યોજાયેલી બેઠકોમાં કાર્યકર્તાઓનો રોષ જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 400થી વધુ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે શહેર-જિલ્લા પ્રમુખો, તાલુકા-નગર પ્રમુખો સાથે રાજ્યની મુખ્ય સમસ્યા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનની વર્તમાન સ્થિતિ અંગે પણ ગહન ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના શીર્ષ નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા. શીર્ષ નેતૃત્વને કારણે ગુજરાતમાં પાર્ટીનું પતન થઈ રહ્યું હોવાની વાત કરી હતી. એક કાર્યકર દ્વારા ગણતરીના નેતાઓનું જ કોંગ્રેસમાં ચાલતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ કરે તેવા શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, હિમંત સિંહ પટેલ, મધુસુદન મિસ્ત્રી સિવાય કોઈ ચહેરા મળતા જ નથી. એટલા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે. અન્ય એક કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પાર્ટીમાં વ્હાલાદવલાની નીતિના કારણે કોંગ્રેસ ક્યારે ઉભી થતી જ નથી. પાર્ટીમાં આંતરિક વિવાદના કારણે પાર્ટી તૂટી રહી છે.
Reporter: admin







