કરોડોની દરખાસ્તોમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ...
સહિયારા ભ્રષ્ટાચારની જો કોમ્પિટિશન થાય તો વડોદરા અવ્વલ નંબર આવે...
ચોકીદારો' જ ચોરી કરાવતા હોય ત્યાં અધિકારીઓ- કોન્ટ્રાક્ટરો-નેતાઓને લીલાલહેર જ હોય...
હવે ખમ્મા કરો. મહેરબાની કરીને થોડું ઘણું ફંડ આવનારા બોર્ડનાં સભ્યો, સ્ટેન્ડિંગનાં સભ્યો, હવે પછી ચૂંટાઈ આવનારા હોદ્દેદારો-ચેરમેન, મેયર,ડે.મેયર કોર્પોરેટરો માટે રહેવા દો. તમને આશિર્વાદ આપશે
ડિઝાઇન વિના 72 કરોડનો વર્ક ઓર્ડર — સ્માર્ટ કોર્પોરેશનનો અણઘટ વહિવટ..
ગેબિયનવોલની ડિઝાઇન અધૂરી, છતાં 72 કરોડના કામ ફાળવાયા — સ્થાયીમાં સવાલ ઉઠ્યા નહીં...
કોન્ટ્રાક્ટરને લાભ, પછી ડિઝાઇન તૈયાર — કોર્પોરેશનનો વિવાદાસ્પદ નિર્ણય ચર્ચામાં..

શહેરમાં વિવિધ સ્થળોએ ગેબિયન વોલ બનાવવા માટે 72 કરોડના ખર્ચે વર્ક ઓર્ડર આપી દેવાયા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે વોલની ડિઝાઇન હજી સુધી તૈયાર નથી..
ગત 27-06-2025ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગેબિયન વોલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દિનેશચંદ્ર આર. અગ્રવાલને 36,42,64,771 રૂપિયાના કામો ફાળવાયા હતા, જ્યારે શહેરના વિવિધ પુલો નજીક ગેબિયન વોલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા. લિ. ને 36,70,57,053 રૂપિયાનું કામ સોંપાયું હતું.હવે સમગ્ર મામલામાં સ્માર્ટ સિટી કોર્પોરેશનનો અણઘટ વહિવટ બહાર આવ્યો છે. 72 કરોડના ખર્ચે કામનો વર્ક ઓર્ડર તો આપી દેવાયો, પરંતુ ત્યારબાદ જ ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવાઇની વાત એ છે કે વિવિધ પુલો અને વિસ્તારોમાં ગેબિયન વોલના નિર્માણ માટે 72 કરોડનો અંદાજ તો કાઢી દેવાયો, પરંતુ કોર્પોરેશનના ઈજનેરો અને અધિકારીઓએ ડિઝાઇન તૈયાર કર્યા વગર જ આ અંદાજ આપ્યો હતો.
કોર્પોરેશનએ ડિઝાઇન વગર કેવી રીતે ખર્ચાનો અંદાજ નક્કી કર્યો તે મોટો સવાલ છે. એ કરતાં પણ મોટો સવાલ એ છે કે સ્થાયી સમિતિની બેઠક દરમિયાન સભ્યો તેમજ ચેરમેને ગેબિયન વોલની ડિઝાઇન વિષે કોઈ સવાલ કર્યા જ નહીં અને ડિઝાઇન જોયા વગર જ કામને મંજૂરી આપી દીધી.વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરના લાભાર્થે પહેલા જ આપી દેવાયો હતો અને ત્યારબાદ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે, એવી ચર્ચા પણ કોર્પોરેશનની લોબીમાં તથા સ્થાયી સમિતિના ચેરમેનની કચેરી નજીક ચાલી રહી છે. ગેબિયન વોલની ડિઝાઇનને અનેક વિભાગોની મંજૂરી હજી બાકી છે, તેમ છતાં 72 કરોડના કામનો વર્ક ઓર્ડર આપી દેવાયો છે.સરકારે રચેલી વિશ્વામિત્રી રિવાઇવલ પર્યાવરણીય સમિતિ જો આ ગેબિયન વોલની ડિઝાઇનને મંજૂરી ન આપે, તો ત્યારબાદ કોર્પોરેશન શું કરશે તે પણ મોટો સવાલ છે.આ બાબતે કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેર હરિતિમા શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે તે સમયે ડિઝાઇન પૂર્ણ નહોતી અને હવે તેમાં લોકેશન એડ કરવામાં આવ્યા છે. હાલ વિવિધ વિભાગોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
Reporter: admin







