News Portal...

Breaking News :

નદીના પટની રેતાળ જમીનમાં શાકભાજીની ખેતી: વાઘપુરાના ઉર્મિલાબેનનું કુદરતી ખેતીમાં સફળ પગલું

2025-05-09 16:09:06
નદીના પટની રેતાળ જમીનમાં શાકભાજીની ખેતી: વાઘપુરાના ઉર્મિલાબેનનું કુદરતી ખેતીમાં સફળ પગલું


બહુવિધ પાક દ્વારા વિવિધ શાકભાજી ઉગાડી કરે છે વાર્ષિક લાખોની કમાણી



ડેસર તાલુકાના વાઘપુરા ગામના ઉર્મિલાબેન જગદીશભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી મહિસાગર નદી પાસે રેતાળ જમીનમાં કુદરતી ખેતી કરી રહ્યા છે. ઉર્મિલાબેન છેલ્લા ચાર વર્ષથી કુદરતી પદ્ધતિથી ખેતી કરે છે, એ પણ એવી જમીનમાં જ્યાં પહેલાં કોઈ ખેતીની આશા ન હતી. તેમ છતાં, તેમણે પોતાના કઠોર પરિશ્રમ અને નવીન વિચારમાં વિશ્વાસ રાખીને જમીનને જીવંત બનાવી છે. ઉર્મિલાબેન નદીના પટની જમીન પર બહુવિધ પાકમાં વિવિધ શાકભાજી ઉગાડે છે અને વડોદરા સહિત નડિયાદના બજારોમાં પોતાનું ઉત્પાદન વેચીને વાર્ષિક લાખોની કમાણી કરી રહ્યા છે. જેનાથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અને CIF (સમુદાય રોકાણ ભંડોળ)થી મળેલા સહાયની મદદથી ખેતીના સાધનો મેળવી વૈજ્ઞાનિક પદ્ધતિથી કુદરતી ખેતીની રીત અપનાવી છે.વાઘપુરા ગામ મહી નદીની નજીક આવેલું છે, અને અહીંની જમીન રેતાળ છે. 


છેલ્લા ચાર વર્ષથી ઉર્મિલાબેન પરમાર અહીં  માટી પર પ્રક્રિયા કરીને ખેતી શરૂ કરી છે. તેઓએ જણાવે છે કે, પ્રથમ અમે જમીન ખોદીએ છીએ, પછી ગાયના છાણ વડે તેને પોષણ આપીએ છીએ. પાક માટે રાસાયણિક ખાતરો નહિ, પરંતુ કુદરતી ખેત પદ્ધતિથી ભીંડા, કારેલા, દૂધી, કાકડી જેવા પાક ઉગાડી સ્થાનિક બજારોમાં વેચીએ છીએ.નદીના પટ પર ખેતી કરવી એ સરળ નથી, પણ એમાં અનેક લાભ છે,જેમ કે પાણીનો સુલભ પ્રવાહ, રાસાયણિક રહિત પદ્ધતિઓ અને તાજું, પૌષ્ટિક ઉત્પાદન. ઉર્મિલાબેનની આ કુદરતી ખેતી માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં, પણ પર્યાવરણને રક્ષણ અને આરોગ્ય માટે ફાયદાકારક માર્ગ બની છે. તેમની સફળતા એ સાબિત કરે છે કે જો ઈચ્છા હોય તો કઠણ પરિસ્થિતિમાં પણ નવી તક શોધી શકાય. નદીના પટની રેતીમાંથી પણ કમાણી કરી શકાય એ વાત વાઘપુરાની આ મહિલા ખેડૂત પુરવાર કરી અન્ય ખેડૂતો માટે  પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Reporter:

Related Post