News Portal...

Breaking News :

સદ્દભાવના દિવસથી એક પખવાડિયા સુધી વડોદરા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જનસેવાના વિવિધ અભિયાનનું આયોજન

2024-09-14 13:23:42
સદ્દભાવના દિવસથી એક પખવાડિયા સુધી વડોદરા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જનસેવાના વિવિધ અભિયાનનું આયોજન


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ એટલે કે સદ્દભાવના દિનથી વડોદરા જિલ્લામાં યોજનારા વિવિધ સેવાકીય અભિયાનોની માહિતી આપતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, આ દિવસથી સ્વચ્છતા હિ સેવા, સેવા સેતું અને એક પેડ મા કે નામ અભિયાન ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે. 


સમુહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર શાહે જણાવ્યું કે, આગામી તા.૧૭ના રોજ વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી આ ત્રણેય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાં સવારે ૧૦ વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જનપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. સ્વચ્છતા હી સેવા અભિયાનની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓ અભિયાન દરમિયાન સફાઈ કરાશે. સરકારી સંસ્થાઓ, સંકલનના ધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લાની તમામ શાળા કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. શાળા અને કોલેજ કક્ષાએ સ્વચ્છતા અંગેની પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ જેમ કે વોલ પેઈન્ટિંગ, શેરી નાટકો, કળા પ્રતિયોગીતા, અને યુવાનો માટે સ્વચ્છતા અંગેની સેલ્ફી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. 


વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય અને તમામ સ્થળો સ્વચ્છ અને સુધડ બને તે માટે લાઈઝનીંગ અધિકારીઓની વિવિધ કમિટીઓ અને ટુકડીઓ બનાવી અભિયાન હાથ ધરવામાં આવશે. સેવા સેતુ અભિયાનની આ શ્રેણીની માહિતી આપતા કલેક્ટરએ કહ્યું કે, વહીવટમાં પાદર્શકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી વડોદરામાં પ્રાંત કક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નાગરિકોને સ્થળ પર જ રાજ્ય સરકારની ૫૫ (પંચાવન) પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે મળશે. પ્રાંત કચેરી પ્રમાણે આ સેવા સેતુંના કેમ્પ યોજાશે. તેની સાથે એક પેડ મા કે નામ અભિયાન પણ ચલાવવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post