News Portal...

Breaking News :

માંજલપુરના વ્રજધામ સંકુલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલ શ્રાવણી સત્સંગમાં યમુનાજીની કૃપા વિશે સમજ મેળવતા વૈષ્ણવજનો

2024-08-16 18:17:19
માંજલપુરના વ્રજધામ સંકુલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલ શ્રાવણી સત્સંગમાં યમુનાજીની કૃપા વિશે સમજ મેળવતા વૈષ્ણવજનો


વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં નમતી સાંજે શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે. તેનો દિવસે દિવસે વધુ વૈષ્ણવજનો લાભ લઈ રહ્યા છે. 


ત્યારે પવિત્રા બારસના દિવસે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સવારે પૂજ્ય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા સવારે 10:00 કલાકે આપવામાં આવશે અને તારીખ 18 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 8:00 વાગે પૂજ્ય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે. મહાપ્રભુજીએ સર્વ પ્રથમ દામોદરદાસજીને બ્રહ્મસંબંધ દીક્ષા આપી હતી એટલે આ દિવસે "ગુરુકૃપા" દિવસ તેમજ "વૈષ્ણવ સૌભાગ્ય દિવસ" તરીકે ઓળખાય છે. પવિત્રા બારસના દિવસે ગુરુને પવિત્રા ધરાવવાની પ્રણાલી છે. પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય ને પવિત્રા ધરાવવાનો સમય બપોરે 12.00 કલાક થી 1.30 કલાક અને સાંજે 8.30 કલાક થી 10.00 કલાક સુધીનો રહેશે. માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયે ષોડષગ્રંથ વલ્લભગીતાના પ્રથમ ગ્રંથ શ્રીયમુનાષ્ટક અને યમુનાજીની કૃપા પામવા વિશે સમજાવતા કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં અંક આઠનું વિશેષ મહાત્મય છે. ભગવાન કૃષ્ણ અષ્ટમીએ પ્રગટ થયા. યમુનાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે યમુનાષ્ટક જાણવું જરૂરી. આપણો દેહ પંચમહાભૂત ઉપરાંત મન, બુદ્ધિ, અહંકાર જેવા 8 તત્વોથી ભરેલો છે, તે વિલુપ્ત થાય તો જ યમુનાજીની કૃપા પ્રાપ્ત થાય. આપણને ઈશ્વરની અનુભૂતિ ન થતી હોવાનું કારણ આપણામાં રહેલા આઠ પ્રકૃતિ તત્વો બાધારૂપ બનતા હોય છે.આભ માંથી વરસાદ વરસે તો જાણી શકાય છે પરંતુ પ્રભુ કૃપા આપણી પર વરસી રહી છે, એ કઈ રીતે જાણવું ? પૂજ્યએ તેના વિશે પ્રકાશ પાડતા સમજાવ્યું હતું કે જ્યારે અચાનક આપણી ઘરે સદગુરુની પધરામણી થાય. 


ઠાકોરજીની સેવા બાદ જ્યારે પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે તેમાં વિશેષ સ્વાદનો અનુભવ થાય. મહાપ્રસાદ ખૂટે નહીં. અનેક વૈષ્ણવો આપણાથી પ્રસન્ન રહેતા હોય તેઓ અનુભવ થાય ત્યારે સમજવું કે આપણી ઉપર પ્રભુની અવિરત અને અમી ભરેલી કૃપા વરસી રહી છે. કષ્ટ વેઠયા પછી જ સુખાનંદ પ્રાપ્ત થતો હોય છે. એ વાત સદ્રષ્ટાંત સમજાવતા પૂજ્ય એ જણાવ્યું હતું કે આપણને કોઈ એક કરોડ રૂપિયા આપીશ એવો વિશ્વાસ જતાવે. અને આપણે એ મેળવવા એક દિવસ તો શું લાગલગાટ એક સપ્તાહ સુધી દુઃખ વેઠીને બેસી રહીએ, ત્યારે એ દુઃખ ગૌણ બની જતું હોય છે. અને એ પછી મળેલા નાણાં આપણને સુખ પહોંચાડતા હોય છે. અહીં નાણાંની જગ્યાએ પ્રભુ મૂકીએ તો પ્રભુને પ્રાપ્ત કરવા માટે કરેલું કષ્ટ એ કષ્ટ નથી પરંતુ પરમાત્મા સાથે અનુસંધાન બાંધવા માટેનો સુખમય માર્ગ છે. અને પ્રભુને પામવા માટે વૈષ્ણવજને પોતે જ પોતાનું શ્રેય અને પ્રેય નક્કી કરવું પડશે. એમ કહી નારદજીએ ભક્તને જ સૌથી મોટા ગણાવ્યા હોવાનું જણાવી સૌ ભક્તને આશીર્વાદ આપ્યા હતા.

Reporter: admin

Related Post