વડોદરા:જીપીસીબી દ્વારા કારેલીબાગ વિસ્તારમાં વડોદરાના પ્રથમ એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનની સ્થાપના કરાશે. જેથી હવાની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય અને હવામાં પ્રદુષણની માત્રા કેટલી છે તથા હવા કેટલી શુદ્ધ છે તેને જાણવું સરળ બનશે.
શહેરમાં હવાનાં પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થયો છે. શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગો અને વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી વર્ષ 2021માં હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા વડોદરા કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરટીઓ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠકમાં હવાના પ્રદૂષણ પર સતત મોનિટરિંગ થાય તે માટે કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત કોર્પોરેશન દ્વારા કારેલીબાગ વિસ્તારમાં 24 કલાક કાર્યરત રહે તેવું રૂ.10 કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનના નિર્માણનું આયોજન હતું.
બીજા તબક્કામાં ચારથી પાંચ સ્થળે જેમાં ઔદ્યોગિક વાણિજ્ય રહેઠાણ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવનાર હતો. આ પ્રોજેક્ટની કામગીરી ગોકળગતીએ ચાલતી હોવાનો લેખ પ્રકાશિત કરાયા બાદ હરકતમાં આવેલ તંત્રએ હવે આગામી એક મહિનામાં જીપીસીબીના ખર્ચે કારેલીબાગ વિસ્તારમાં વડોદરાનું પ્રથમ એર ક્વાલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, સ્ટેશન ખાતે મશીન કાર્યરત થયા બાદ મેજરમેન્ટ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ થતું હોય હ્યુમન હેન્ડલિંગ રહેશે નહીં. હાલ વડોદરા શહેર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં 8 સ્થળોએ હવાના પ્રદૂષણ નોંધના સેન્ટર કાર્યરત છે. જે પૈકી વડોદરામાં 05 મેન્યુઅલી સ્ટેશન પર મોનીટરિંગ થઈ રહ્યું છે.
Reporter: admin