વડોદરાઃ પહેલગાંવમાં બનેલા આતંકી હુમલાના બનાવ બાદ એક્શનમાં આવેલી પોલીસે ઠેરઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝુંબેશ શરુ કરી છે.

જે અંતર્ગત વડોદરા પોલીસે ૫૦૦ થી વધુ લોકોની અટકાયત કરતાં તેમાંથી ૨૦ જણા શંકાસ્પદ જણાઇ આવ્યા છે.આ પૈકી પાંચ જણા પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતાં પોલીસ ચોંકી ઉઠી છે.રાજ્યના ગૃહવિભાગે બાંગ્લાદેશી અને પાકિસ્તાન સહિતના ઘૂસણખોરો સામે સર્ચ ઓપરેશન હાથ ધરતાં વડોદરા પોલીસ કમિશનરે પણ જોઇન્ટ પોલીસ કમિશનર તેમજ તમામ ડીસીપીના નેજા હેઠળ ૧૫ ટીમો બનાવી હતી.આ ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ,પીસીબી, એલસીબી અને એસઓજી પણ સામેલ થઇ છે.
પોલીસની ટીમો દ્વારા, એકતા નગર તુલસીવાડી, હાથીખાના, તાંદલજા, ફતેપુરા,પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ૫૦૦ થી વધુ મહિલાઓ અને પુરુ ષોના આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા તપાસવામાં આવ્યા હતા.પોલીસ કમિશનરે કહ્યું હતું કે,આ પૈકી ૫ જણા પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવતાં તેમને ડીટેન કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે,શંકાસ્પદ લાગતા બીજા ૧૫ જણાના પુરાવાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.વડોદરામાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે,વડોદરામાં ગેરકાયદે રહેતા હોય તેવા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામેની ઝુંબેશ મોડીરાત સુધી ચાલુ રહી હતી.જે દરમિયાન લાંબા સમયથી રહેતા હોય અને જેમના પુરાવા સાચા જણાઇ આવ્યા છે તેમને જવા દેવામાં આવ્યા છે.મહિલા પોલીસને પણ આ અભિયાનમાં સાથે રાખવામાં આવી છે.આવતી કાલે પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.
Reporter: admin







