News Portal...

Breaking News :

વડોદરાએ ઇન્દોર પાસેથી શીખ લેવાની જરૂર છે. સતત આઠમી વખત મેદાન મારી જવું એ કંઈ નાની વાત નથી

2025-07-19 10:11:19
વડોદરાએ ઇન્દોર પાસેથી શીખ લેવાની જરૂર છે. સતત આઠમી વખત મેદાન મારી જવું એ કંઈ નાની વાત નથી


વડોદરાને "પ્રોમિસિંગ સ્વચ્છ શહેર- પ્રોત્સાહન એવોર્ડ" એટલે કે જો પ્રયત્ન કરો તો તમે પણ આગળ વધી શકો છો. 
કાર્યક્રમમાં સુરત, અમદાવાદ, ઈન્દોરનાં મેયર-કમિશનરને પ્રથમ હરોળમાં બેસાડાયા હતા. વડોદરાના મહારથીઓને, દૂરથી દેખાય પણ નહીં તેવી પાછલી પાટલી ઉપર..



શહેરીજનોને કોર્પોરેશનના શાસકોએ મુર્ખ બનાવ્યા, ખરેખર તો વડોદરા ડી કેટેગરીમાં અને માત્ર થ્રિ સ્ટાર. પ્રોમિસિંગ સ્વચ્છ શહેર સાથે પણ બલ્લે બલ્લે !!..
ગુરુવારે 17 જુલાઇએ દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરાઇ અને મહાનગરપાલિકાઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા. જો કે વડોદરાવાસીઓને આ સમાચાર સાંભળી અને વાંચીને કોઇ દુખ થયું નથી કારણ કે કોર્પોરેશનના શાસકો વડોદરાવાસીઓને મૂર્ખ બનાવે છે તેની તેમને જાણ છે.  કોર્પોરેશને દાવો કર્યો કે વડોદરાનો 18માં ક્રમાંક આવ્યો છે. પણ વાસ્તવમાં જો તમે રિપોર્ટ ચકાસો તો વડોદરા કોર્પોરેશનનો ક્રમ ડી કેટેગરીમાં છે અને ડી કેટેગરીના શહેરોમાં પણ વડોદરા કોર્પોરેશનનો ક્રમાંક 10મો છે. વડોદરા કોર્પોરેશને આ વાત જનતાથી છુપાવી છે કે વડોદરા શહેરને પ્રોમીસીંગ સ્વચ્છ શહેરોની યાદીમાં, ડી કેટેગરીમાં અને તેમાં પણ 10મો ક્રમાંક મળ્યો છે. માત્ર એવી જાહેરાતો કરી દીધી કે વડોદરા શહેર માત્ર 18માં ક્રમાંકે આવ્યું છે અને તેમ કહીને વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં સ્વચ્છતાની હાલત જોતાં વડોદરાવાસીઓ પણ વિચારતા થઇ ગયા છે કે વડોદરાને 18મો ક્રમાંક આવ્યો કેવી રીતે? શહેરમાં કોઇ મહત્વનું કામ જ થયેલું દેખાતું નથી. સ્વચ્છતા અભિયાન હેઠળ એક સપ્તાહ ફોટા પડાવી લીધા બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખરેખર સ્વચ્છતાના કામો ચાલુ રહે છે કે કેમ તે જોવાની જવાબદારી પણ પાલિકાના મેયર, ચેરમેન કે અધિકારીઓ લેતા નથી. વડોદરામાં સવારે માત્ર 2 કલાક સફાઇ થાય છે અને અઢીસો કરોડનો ખર્ચો માત્ર સફાઇ પાછળ કરવામાં આવે છે પણ સ્વચ્છતા ક્યાંય દેખાતી નથી તે હકિકત છે.




આ 4 પેરામીટરમાં કોર્પોરેશનને માર્કસ જ ના મળ્યા 
2023ની સરખામણીએ ડોર ટુ ડોર કચરા કલેક્શન, સોર્સ સેગ્રીગેશન, વેસ્ટ જનરેશન વર્સીસ પ્રોસેસિંગ અને ક્લીનલીનેસ ઓફ પબ્લિક ટોયલેટ્સ એમ 4 પેરામીટરમાં પાલિકાને ઓછી ટકાવારી મળી છે. ચોંકાવનારી બાબત એ છે કે, 2023માં સોર્સ સેગ્રીગેશન એટલે કે ભીનો અને સૂકો કચરો અલગ કરવા 99% માર્ક્સ મળ્યા હતા. જેની સામે 2024માં 74% એટલે કે 25% માર્ક્સ ઓછા મળ્યા છે.
ડી કેટેગરીમાં દેશના 34 શહેરોની પસંદગીમાં વડોદરાનો 10મો ક્રમાંક
મિનીસ્ટ્રી દ્વારા એવોર્ડીનું જે લિસ્ટ જાહેર કરાયું છે તેમાં સુપર સ્વચ્છ લીગની એ કેટેગરી છે. જેમાં 10 લાખ કરતા વધુ શહેરોમાં ગુજરાતના સુરત શહેરે બાજી મારી છે. તેમાં ચાર શહેરોનો સમાવેશ થયો છે. એ કેટેગરીમાં જ 3થી 10 લાખની વસતી વાળા શહેરોમાં 6 શહેરોનો સમાવેશ થયો છે અને તેમાં ગુજરાતના ગાંધીનગર શહેરનો સમાવેશ થાય છે. આજ કેટેગરીમાં 50 હજારથી 3 લાખની વસતીવાળા શહેરોમાં ભારતના 4 શહેરો પસંદ થયા છે જ્યારે 20 હજારથી 50 હજારની વસતીના શહેરોમાં ચાર શહેરો અને 20 હજારથી ઓછી વસતીના 5 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે બી કેટેગરીમાં પણ પ્રેસિડેન્સીઅલ એવોર્ડીમાં 10 લાખ કરતા વધુ વસતીવાળા શહેરમાં ગુજરાતના અમદાવાદનો પહેલો ક્રમાંક અને ભોપાલનો બીજો ક્રમાંક છે જ્યારે વસતીની દ્રષ્ટીએ અન્ય 5 એવોર્ડ અપાયા છે તેમાં ગુજરાતના કોઇ શહેરનો નંબર નથી. સી કેટેગરીમાં મિનીસ્ટ્રીયલ એવોર્ડ સ્પેશયલ કેટેગરીમાં 6 શહેરોની પસંદગી થઇ છે પણ ગુજરાતનું એક પણ શહેર નથી.  હવે ડી કેટેગરી જોઇએ તો તે મિનીસ્ટ્રીયલ એવોર્ડી પ્રોમીસીંગ સ્વચ્છ શહેર છે અને તેમાં દેશના 34 શહેરોની પસંદગી થઇ છે તેમાં વડોદરાનો 10મો ક્રમાંક છે એટલે હરખાવા જેવું નથી કારણ કે ડી કેટેગરીમાં તમારો 10મો નંબર છે અને કોર્પોરેશનના શાસકોએ પ્રજાને મુર્ખ બનાવી છે તે આ યાદી જુઓ તો ખ્યાલ આવી જશે.

કુબેરભુવનના બીજા માળે પણ કચરાના ઢગલા
વડોદરાની સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો પણ ગંદકીમાં તરબતર હોય તો પછી સ્વચ્છતામાં વડોદરાનો નંબર ક્યાંથી આવે તે એક મોટો સવાલ છે. સરકારી કચેરીઓ જ સ્વચ્છતાનું પાલન કરતી નથી અને તેથી શહેરની દરેક સરકારી કચેરીઓમાં ગંદકીના થર જોવા મળે છે. આ ફોટો તમે જુવો . આ કુબેરભુવનનો છે. કુબેર ભુવનના દરેક માળે તમે જાવ તો તમને ઠેર ઠેર ગંદકી જોવા મળી શકે છે. કુબેર ભુવનના બીજા માળે મહિલા બાળ વિકાસ નિગમની ઓફિસની બહાર કચરાના ઢગલા પડેલા છે પણ કોઇને સફાઇ કરાવાનું સુઝતું નથી. સરકારી કચેરીઓમાં જ સફાઇના નામે લોલમલોલ ચાલે છે તેનો આ પુરાવો છે.

Reporter:

Related Post