વડોદરાના ઉત્સાહી સાંસદ ડો.હેમાંગ જોશીના મતવિસ્તાર એવા વડોદરાના કાર્યાલયમાં તાળા વાગી ગયા છે. સાંસદ વડોદરાની ચિંતા છોડીને દિલ્હી વિધાનસભામાં પક્ષના પક્ષપલટુ ઉમેદવારના પ્રચારમાં લાગેલા છે અને તેથી તેમણે વડોદરાના લોકોની ચિંતા છોડી દીધી છે.

અત્યારે પરિસ્થિતી એવી છે કે વડોદરાવાસીને પોતાની કોઇ રજૂઆત કરવી હોય કે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવો હોય તો વડોદરાવાસીઓને દિલ્હીની ચૂંટણી પૂરી થવાની રાહ જોવી પડશે કારણ કે સાંસદ ડો.હેમાંગ જોશી હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત છે. ભલે પક્ષનો પ્રચાર કરે પણ ચોંકાવનારી વાત એ છે કે સાંસદ ડો.હેમાંગ જોશી પક્ષપલટુ ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. જેના જીવનમાં કોઇ નીતિ નથી અને પોતાના ફાયદા માટે ગમે ત્યારે પક્ષ છોડીને બીજા પક્ષમાં જતો રહે તેવા વ્યક્તિ પર સામાન્ય માણસ પણ ભરોસો કરતો નથી પણ આપણા સાંસદ ડો.હેમાંગ જોશી આવા પક્ષપલટુ ઉમેદવારના પ્રચારમાં રાત દિન મહેનત કરી રહ્યા છે. તેઓ આ ઉમેદવાર કરતારસિંહ તંવરના પ્રચારમાં લાગેલા છે. હેમાંગ જોશી અત્યારે પક્ષપલટુ કરતારસિંગના પ્રચાર માટે તેમના મતવિસ્તારમાં રાત્રે પણ કાર્યકર્તાઓ સાથે પત્રિકા વહેંચવા નિકળે છે તો વોર્ડ પ્રમુખની સભાઓ પણ સંબોધે છે. કરતારસિંહ મુળ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પણ ત્યારબાદ તેમણે પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા અને ભાજપે તેમને ફરી ટિકીટ આપીને સાંસદ હેમાંગ જોશીને તેમને જીતાડવાની જવાબદારી સોંપી છે. સાંસદ આ વાતથી ગેલમાં આવી ગયા છે અને તેઓ છેલ્લા ઘણા દિવસથી વડોદરાનું કાર્યાલય બંધ કરીને પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે દિલ્હીમાં પ્રચારમાં ઉતરી ગયા છે. તે પક્ષપલટુ ઉમેદવાર ભવિષ્યમાં પણ પોતાના ફાયદા માટે ભાજપ સાથે છેડો ફાડી દેશે તો તેની જવાબદારી પણ સાંસદ હેમાંગ જોષીના શિરે જ રહેશે કારણ કે તેમણે જ રાતદિન મહેનત કરીને પક્ષપલટુને જીતાડ્યા હતા અને પક્ષને ખાતરી આપી હતી કે હું ગમે તે ભોગે જીતાડી દઇશ.

વડોદરાના લોકોની ચિંતા કરવાના બદલે તેઓ સાંસદ કાર્યાલયને તાળા મારીને દિલ્હીમાં અડીંગો જમાવીને બેઠા છે. વડોદરાનાં લોકો સાંસદની આવી હરકતથી પરેશાન થઇ ગયા છે. પક્ષપલટુને જીતાડવા માટે મહેનત કરનારા સાંસદ હેમાંગ જોશી સંસદમાં જઇને વડોદરાને ફાયદો થાય તેવી રજૂઆતો કરે તે જરુરી છે અને તે જ તેમનું મુળ કામ છે કારણ કે વડોદરાના મતદારોએ તેમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા જ છે, એટલા માટે કે તે સંસદમાં વડોદરાની જનતાનો અવાજ રજૂ કરે પણ સાંસદ પોતાની મુળભૂત જવાબદારી ભુલીને પક્ષપલટુના પ્રચારમાં લાગી ગયા છે. ભલે તેઓ પ્રચાર કરે પણ વડોદરાનું કાર્યાલય તો ખુલ્લુ રાખે જેથી તેમને કાર્યકર્તા તેમને જાણ કરે કે વડોદરામાં લોકો કેવી પીડા ભોગવી રહ્યા છે. જે પક્ષપલટુનો પ્રચાર સાંસદ હેમાંગ કરે છે તેનો ભુતકાળ જાણી લો. દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા છતરપુર વિધાનસભામાં 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરતારસિંહ તંવરને ટિકીટ આપી હતી અને મતદાતાઓએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકીને કરતાસિંહને જીતાડી પણ દીધા હતા. જો કે ત્યારબાદ કરતારસિંહે પક્ષપલટો કર્યો હતો જ્યારે કેજરીવાલ જેલમાં હતા. કરતારસિંહે આમ આદમી પાર્ટી છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા અને તેથી દિલ્હી વિધાનસભા સ્પીકરે પક્ષપલટા હેઠળ તંવરનું સભ્યપદ છીનવી લીધું હતું. 10 જુલાઇ, 2024થી તેમની વિધાનસભાની સદસ્યતા અટકાવી દેવાઇ હતી. તેઓ દિલ્હીના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સાથે ભાજપનાં વોશીંગ મશીનમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કરતારસિંહ તંવરના ફાર્મહાઉસ અને ઓફિસ પર આઇટીની રેઇડ પણ પડી હતી. હે..માંગની, માંગ અમિતભાઇ શાહે પણ ના સાંભળી શહેર ભાજપમાં ચર્ચાતી વાતો મુજબ થોડા મહિના પહેલા સાંસદ હેમાંગ જોષી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ તથા જીલ્લા પ્રમુખ સતિશ નિશાળીયા અને શહેર જિલ્લાના ધારાસભ્યો શૈલેશ મહેતા (સોટ્ટા), ચૈતન્ય દેસાઇ, યોગેશ પટેલ, કેયુર રોકડીયા, મનિષા વકીલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને વડોદરા થી દિલ્હી મળવા ગયા હતા. તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ સાથે ગૃહ મંત્રીને મળવા ગયા હતા. જો કે હજુ સુધી સાંસદની કે આ બીજા નેતાઓની દાળ ગળી નથી અને વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું નથી. સાંસદ હેમાંગ જોષી મોટા ઉપાડે જાહેરાતો કરતા ફરે છે કે કુંભમેળા માટે મેં ખાસ બસ સેવા શરુ કરાવી અને સ્પેશયલ ટ્રેન શરુ કરાવી પણ અમિતભાઈ શાહને મળીને આવ્યાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં તે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી શક્યા નથી અને તે જ બતાવે છે કે અમારા બાબા ભાઈની વેલ્યુ શું છે. કુંભ મેળા માટે બસ સેવા મેં ચાલુ કરાવી તેવો જશ લેનારા હેમાંગ જોષીને કદાચ ખબર નહીં હોય પણ જ્યારે બસ શરુ થઇ ત્યારે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતાના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કુંભમેળા માટે મેં અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ માટે બસ સેવા શરુ કરાવી છે તેવી જાહેરાત કરી હતી પણ આમ છતાં સાંસદ હેમાંગ જોષી વડોદરાવાસીઓ પાસે વટ પાડવા માટે પોતે બસ શરુ કરાવી છે તેવી ગુલાબાંગો પોકારતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી મુકી હરખપાદુડા થઈ ગયા હતા. વડોદરા એરપોર્ટને મહારાજા સયાજીરાવનું નામ પણ હેમાંગ જોષી અપાવી શક્યા નથી. ઇન્ટરનેશલ એરપોર્ટની વડોદરાની માંગ જૂની છે અને સાંસદ હેમાંગ જોશીએ તો સાંસદ બનતાની સાથે જ કેન્દ્રમાં રજૂઆતો કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની મંજૂરી મેળવી લેવી જોઇતી હતી પણ તેઓ નિષ્ફળ ગયા છે. વડોદરાની આવી એક બીજી પણ જૂની માગ છે કે વડોદરાના એરપોર્ટનું નામ મહારાજા સયાજીરાવ એરપોર્ટ આપવામાં આવે. સાંસદ હેમાંગ જોષીએ વડોદરાના એરપોર્ટનું આ નામ રખાય તેવી પોતાની ધારદાર રજૂઆતો પણ કેન્દ્ર સમક્ષ રજૂ કરી નથી કારણ કે જો તેમણે રજૂઆત કરી હોત તો વડોદરાને મહારાજા સયાજીરાવ એરપોર્ટનું નામ તો મળી જાત. જેમ હેમાંગ જોશીએ કુંભમેળા માટે ટ્રેન તત્કાળ શરુ કરાવી તેમ આ નામ પણ તત્કાળ મેળવી લીધું હોત તો વડોદરાવાસીઓ માની જાત કે તેમના સાંસદ તો ભાઈ જોરદાર છે પણ હવે વડોદરાવાસીઓને પણ છેતરાઇ ગયા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. તેમના સાંસદ તો ખાલી જશ લેવામાં જ માને છે.પૂર્વ સાંસદ કે નવા સાંસદમાં કોઈ ફેર નથી.વડોદરાની પ્રજાએ તો હવે જેમ તેમ કરીને પાંચ વર્ષ ભોગવવું જ રહ્યું.


Reporter: