News Portal...

Breaking News :

વડોદરાનું ‘હોર્ડિંગ્સ ફ્રી સિટી’નું સપનું ધૂળધાણી!

2026-08-17 10:53:59
વડોદરાનું ‘હોર્ડિંગ્સ ફ્રી સિટી’નું સપનું ધૂળધાણી!

તહેવારોની મોસમ આવતાની સાથે જ વડોદરા શહેરની ગલીઓ, મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓને બદસૂરત બનાવવાનો ખેલ ફરી એકવાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. પાલિકાએ મોટો ઉપાડ કરીને શહેરને ‘હોર્ડિંગ્સ ફ્રી’ બનાવવાનો ઠરાવ તો પસાર કરી દીધો, પરંતુ વાસ્તવિકતા એ છે કે મફતિયા તત્વો અને ગેરકાયદેસર જાહેરાતકર્તાઓ આગળ તંત્ર તદ્દન નપાવટ સાબિત થયું છે. અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે અને કાગળ પર રહેલા કડક નિયમોનો અમલ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે.

લાખ રૂપિયાનો સવાલ એ ઊભો થાય છે કે એસી ગાડીઓમાં ફરીને માત્ર રોફ ઝાડતા ઉચ્ચ અધિકારીઓ અને સંવેદનહીન પદાધિકારીઓને આ ખુલ્લેઆમ થતું અતિક્રમણ કેમ નજરે નથી પડતું? શું આ નિષ્ક્રિયતા પાછળ વડોદરા પાલિકાની જૂની આદત મુજબનું કોઈ આંતરિક ‘સેટિંગ’ કામ કરી રહ્યું છે?

ભૂતકાળમાં પણ ગત ટર્મના શાસકો અને ચેરમેને મોટી-મોટી ડંફાસો હાંકીને શહેરને હોર્ડિંગ્સ મુક્ત બનાવવાની જાહેરાતો કરી હતી, પરંતુ તેમના જ કાર્યકાળમાં નેતાઓ, દુકાનદારો અને કોર્પોરેટરોના ચમચાઓએ આખા શહેરમાં ગેરકાયદેસર બેનરોનો કચરો ખડકી દીધો હતો. તે સમયે પણ કમિશનર કે ચેરમેન કંઈ જ ઉખાડી શક્યા ન હતા.

વડોદરાના ઈતિહાસમાં આટલા પાંગળા નેતાઓ ક્યારેય જોવા મળ્યા નથી, જેઓ માત્ર કેમેરા સામે આવીને બાઈટો આપવા અને મોટી વાતો કરવા સિવાય કોઈ નક્કર કામગીરી કરી શકતા નથી. જો તંત્રે ખરેખર કોઈ કામ કર્યું હોત તો તે વડોદરાની જનતાને પ્રત્યક્ષ દેખાયું હોત.

હાલના શાસકો પણ માંડ-માંડ ચૂંટાઈને આવ્યા છે અને ભાજપની ગત ટર્મ કરતાં બેઠકો ઘટી હોવા છતાં તેમનામાં કોઈ સુધારો આવ્યો નથી. પહેલા જ દિવસથી પ્રજાલક્ષી કામગીરી શરૂ કરવાની જગ્યાએ મેયર અને ચેરમેન તદ્દન ઢીલા પડી ગયા છે, જેના કારણે વડોદરાની પ્રજાની પ્રાથમિક સમસ્યાઓ આજે પણ ઠેરની ઠેર ઊભી છે.

આ વખતે મોવડીમંડળે મેયર-ચેરમેનને છૂટો દોર આપ્યો હતો અને સંકલન બેઠકો પણ બંધ કરી દીધી હતી, જેથી લોકોને આશા હતી કે કામ ઝડપથી થશે. ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વારંવાર તમામ મનપાના હોદ્દેદારો અને અધિકારીઓને કડક ચેતવણી આપી હતી કે ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચવી ન જોઈએ.
આમ છતાં, વડોદરાના શાસકોને કાં તો પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ નથી અથવા તો તેઓ કોઈ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

મેયર-ચેરમેન અને વહીવટી તંત્ર સદતર નિષ્ફળ

વડોદરા શહેરને સુંદર બનાવવાના નામે માત્ર પ્રચાર-પ્રસારના તાયફા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે તંત્રની નાક નીચે જ ગેરકાયદેસર હોર્ડિંગ્સનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે. વહીવટી વડા માત્ર મીડિયા સમક્ષ આવીને મોટી-મોટી વાતો કરવામાં જ મશગૂલ રહે છે, પરંતુ પ્રત્યક્ષ કાર્યવાહીના નામે શૂન્ય કામગીરી છે. નેતાઓ અને કોર્પોરેટરો પોતાના સ્વાર્થ માટે કાયદાનો અનાદર કરી રહ્યા છે અને તંત્ર તેમની સામે ઘૂંટણિયે પડી ગયું છે. મોવડીમંડળની કડક સૂચનાઓ હોવા છતાં વડોદરાના શાસકોના પેટનું પાણી પણ હલતું નથી, જે બતાવે છે કે તેમને જનતાની તકલીફો સાથે કોઈ લેવાદેવા નથી.

ગાંધીનગરની ચેતવણી નેવે મૂકી...

રાજ્યના ઉચ્ચ નેતૃત્વ—મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી—દ્વારા વારંવાર ‘તમારા શહેરની કોઈ ફરિયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ’ તેવી કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી હોવા છતાં વડોદરા પાલિકાના શાસકો અને અધિકારીઓ કોઈ દબાણ હેઠળ કામ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જનતાનાં કામો અટકેલા પડ્યા છે અને શહેર જાહેરાતોનાં ગેરકાયદેસર બેનરોથી ધકેલાઈ રહ્યું છે. મોવડીમંડળે તો સંકલનની બેઠકો બંધ કરીને છૂટો દોર શાસકોને આપી દીધો છે. છતાં પણ જો પરિણામ શૂન્ય આવતું હોય, તો તે વર્તમાન મેયર, ચેરમેન અને કમિશનરની કાર્યક્ષમતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
હવે જોવાનું એ રહે છે કે આ આળસુ તંત્ર જાગશે કે પછી વડોદરાની જનતા આમ જ સહન કરતી રહેશે.

Reporter: admin

Related Post