News Portal...

Breaking News :

ગંભીરા બ્રિજનું ૧૨ માસની નિર્ધારિત સમયમર્યાદામાં નિર્માણ કાર્ય પૂર્ણ

2026-08-19 13:40:23
ગંભીરા બ્રિજનું ૧૨ માસની નિર્ધારિત સમયમર્યાદામાં નિર્માણ કાર્ય પૂર્ણ

વડોદરા જિલ્લાને આણંદ જિલ્લા સાથે જોડતો મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી ૧૨ માસની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. સમાન પ્રકારના નદી પરના બ્રિજ પૈકી ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ થયેલા બ્રિજ તરીકે નોંધપાત્ર બન્યું છે. હાલમાં બ્રિજ પર જરૂરી પરીક્ષણ (ટેસ્ટિંગ)ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગંભીરા બ્રિજના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના સ્ટીલમાં ઈપોક્ષી કોટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી લાંબા ગાળે કાટ લાગવાની શક્યતા ઘટશે તેમજ બ્રિજની ટકાઉપણું અને આયુષ્યમાં વધારો થશે. બ્રિજના નિર્માણ કાર્યને ઝડપી બનાવવા માટે પ્રિકાસ્ટ એલિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આધુનિક બાંધકામ પદ્ધતિનો મહત્વપૂર્ણ ભાગ છે.

બ્રિજના દરેક પિલ્લર પર જરૂરી ચકાસણી અને જાળવણીની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે નિરીક્ષણ પ્લેટફોર્મની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. નિર્માણ કાર્ય દરમિયાન સરેરાશ ૩૦૦ જેટલા શ્રમિકો દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી હતી. તેમની સતત મહેનત, આયોજનબદ્ધ કામગીરી અને આધુનિક ટેકનોલોજીના સુઆયોજિત ઉપયોગથી બ્રિજને મજબૂત, સલામત અને ટકાઉ સ્વરૂપ આપવામાં આવ્યું છે.


વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરીનું સુચારુ આયોજન કરી ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય નિર્ધારિત ૧૨ માસની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજ પર હાલ જરૂરી ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ નિયત પ્રક્રિયા અનુસાર આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

Reporter: admin

Related Post