News Portal...

Breaking News :

હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાની કમાન, વડોદરામાં અભિવાદન

2026-08-19 14:53:28
હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાની કમાન, વડોદરામાં અભિવાદન

વડોદરાના લોકસભા સાંસદ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના નેતૃત્વ હેઠળ નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ હેમાંગ જોષીની રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક બાદ વડોદરામાં ભાજપ યુવા મોરચા દ્વારા નમો કમલમ ખાતે તેમનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા નમો કમલમ ખાતે ભારતીય જનતા યુવા મોરચા, વડોદરા મહાનગર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ અને યુવા મોરચાના શહેર અધ્યક્ષ મૌલિક દેસાઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી મળ્યા બાદ ડૉ. હેમાંગ જોષીએ આ જવાબદારી વડોદરા અને ગુજરાતના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં કોઈ રાજકારણી નથી અને જગદીશ વિશ્વકર્માએ તેમને હંમેશા કામ કરવાની સ્વતંત્રતા આપી છે. યુવાનોને સાથે લઈને આગળ વધવા માટે કામ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

‘યુવા શક્તિ વિકસિત ભારતનું સબળ પરિબળ’

હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, “યુવા શક્તિ વિકસિત ભારતનું સબળ પરિબળ છે.” યુવા શક્તિને દેશના વિકાસ સાથે જોડવા તેમજ વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે એક-એક યુવાન જોડાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. યુવાનો માત્ર ‘જોબ સીકર’ નહીં પરંતુ ‘જોબ ગીવર’ બને તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશા આપવાની સાથે તેમને નશાખોરીથી દૂર રાખવા તથા યુવાનો અને તેમના પરિવારના વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

‘જન-ઝી બાદ હવે જન-આલ્ફા પણ મેદાનમાં’

જન-ઝી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે હેમાંગ જોષીએ કહ્યું હતું કે, જન-ઝી બાદ હવે જન-આલ્ફા પણ મેદાનમાં છે. યુવાનોને નકારાત્મક રીતે ચિત્રિત કરવાને બદલે તેમની શક્તિ અને ઊર્જાનો દેશના વિકાસમાં ઉપયોગ થવો જોઈએ.

તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો યુવાનોને રાજકીય હાથા બનાવી દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોમાં રહેલા સામાજિક દૂષણો દૂર કરવા તેમજ સરકાર અને યુવાનો વચ્ચે કોઈ ‘VVIP કલ્ચર’ ન રહે તે દિશામાં પણ કામ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

રાહુલ ગાંધી પર કટાક્ષ

આ પ્રસંગે હેમાંગ જોષીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે યુવાન હતા ત્યારે મોટો ઝભ્ભો પહેરીને વયોવૃદ્ધ જેવા દેખાતા હતા અને હવે તેઓ વયોવૃદ્ધ થયા છે ત્યારે ટી-શર્ટ પહેરે છે.

અંતે હેમાંગ જોષીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post