News Portal...

Breaking News :

પુણેમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, નાળા પાસે ઝાડ નીચેથી મૃતદેહ મળ્યો

2026-08-19 15:39:49
પુણેમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, નાળા પાસે ઝાડ નીચેથી મૃતદેહ મળ્યો

પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જુન્નર તાલુકાના પિંપળવંડી ગામમાં 9 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે બાળકીના 25 વર્ષીય પાડોશી સાહિલ ખૈરેની ધરપકડ કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકી ધોરણ-4માં અભ્યાસ કરતી હતી અને તેના માતા-પિતા ખેતમજૂર છે. મંગળવારે તબિયત ખરાબ હોવાથી તે શાળાએ ગઈ નહોતી. બપોરના સમયે માતા-પિતા ઘરે ન હોવાથી આરોપીએ તકનો લાભ લઈ બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સાંજે બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી પણ ગ્રામજનો અને પોલીસ સાથે બાળકીની શોધમાં જોડાયો હતો.

તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં સાયકલ પર શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપીએ ગુનો કબૂલ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેની નિશાનદેહી પરથી નાળા પાસે ઝાડ નીચેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પુણે-નાસિક હાઈવે પર ચક્કાજામ કરી આરોપીને ફાંસી આપવાની અને કેસની ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Related Post