કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મિર્ઝા ગાલિબ સ્ટ્રીટની પાંચ માળની ઇમારતમાં મંગળવારે મોડી રાત્રે લગભગ બે વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઇમારતમાં અનેક હોટલો આવેલી હતી અને આગ લાગી ત્યારે મોટાભાગના લોકો પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા. આગ બાદ સમગ્ર ઇમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે અનેક લોકોનો ગૂંગળામણથી દમ ઘૂંટાયો હતો.
આ કરુણ ઘટનામાં બાંગ્લાદેશી નાગરિકો સહિત 9 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત છ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને રાહત ટીમોએ ઇમારતમાંથી લગભગ 80 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, આગ ઇમારતમાં આવેલા ‘શિકા ઇન’ હોટલમાંથી શરૂ થઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ગાઢ ધુમાડાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને હાલમાં ઇમારતમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે.
Reporter: admin







