News Portal...

Breaking News :

17 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.11.54 લાખનો મુદ્દામાલ કબજે

2026-08-19 14:40:56
 17 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.11.54 લાખનો મુદ્દામાલ કબજે

વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનાથી રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રોહીત ઉર્ફે મચ્છર રાજુસિંગ માનસિંગ બાવરી, બાદલસિંગ ધનસિંગ માનસિંગ બાવરી અને કરનલસિંગ જશપાલસિંગ માધુસિંગ ટાંકને ઝડપી પાડ્યા છે, જ્યારે એક સગીરને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સોનાચાંદીના દાગીના, રોકડ, મોબાઇલ અને મોટરસાઇકલ સહિત કુલ રૂ.11.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


ક્રાઇમ બ્રાન્ચની ટીમ CCTV ફૂટેજ, ટેકનિકલ માહિતી અને બાતમીદારોના આધારે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ કરી રહી હતી. દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે મળેલી બાતમીના આધારે દરજીપુરા એરફોર્સ સ્ટેશન સામેના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. અહીં ચારેય શખ્સોને મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.


તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, ત્રણ કાંડા ઘડિયાળ, રૂ.6,900 રોકડા અને ત્રણ મોબાઇલ મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ સાગરીતો સાથે મળી રાત્રિના સમયે બાઇક પર ફરી બંધ મકાનો શોધી તાળા-નકુચા તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.4.66 લાખના સોનાના અને રૂ.3.28 લાખના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.11,54,229નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી સામે જે.પી. રોડ, નંદેસરી, બાપોદ, છાણી, ફતેગંજ, સમા, ગોરવા, અકોટા અને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 17 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Reporter: admin

Related Post