News Portal...

Breaking News :

ગાલે ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, શ્રીલંકાને 165 રનથી હરાવી સિરીઝમાં 1-0ની લીડ

2026-08-19 15:38:15
ગાલે ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, શ્રીલંકાને 165 રનથી હરાવી સિરીઝમાં 1-0ની લીડ

ગાલે: ભારતીય ક્રિકેટ ટીમે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવી બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ પાંચમા દિવસે બીજા સેશનમાં 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની જીતમાં યુવા સ્પિનર માનવ સુથાર હીરો રહ્યો હતો. સુથારે 23.4 ઓવરમાં માત્ર 55 રન આપી 6 વિકેટ ઝડપી શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. તેના સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ 2, જ્યારે મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

372 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 47 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 59 અને પ્રથમ દાવમાં સદી ફટકારનાર સોનલ દિનુષાએ 84 રનની ઇનિંગ્સ રમી ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંનેના આઉટ થયા બાદ શ્રીલંકાની બાકીની બેટિંગ વધારે સમય ટકી શકી નહોતી અને 77.4 ઓવરમાં 206 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. દેવદત્ત પડિક્કલે શાનદાર 167 રન, કેએલ રાહુલે 82 અને ધ્રુવ જુરેલે 51 રનની ઇનિંગ્સ રમી ભારતનો સ્કોર 462 રન સુધી પહોંચાડ્યો હતો.

જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. સોનલ દિનુષાએ 100 અને નિરોશન ડિકવેલાએ 80 રન બનાવ્યા હતા. શ્રીલંકા પ્રથમ દાવમાં ભારતથી 178 રન પાછળ રહ્યું હતું.

ભારતની બીજી ઇનિંગ્સ 193 રનમાં સમેટાઈ હતી, જેમાં ઋષભ પંતે 66 રન બનાવ્યા હતા. પ્રથમ દાવની 178 રનની લીડના આધારે ભારતે શ્રીલંકા સામે 372 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને શ્રીલંકા હાંસલ કરી શક્યું નહોતું.
હવે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે.

Reporter: admin

Related Post