News Portal...

Breaking News :

નાલંદામાં મિડ-ડે મીલમાં ગંભીર બેદરકારી, મીઠાની જગ્યાએ ડિટર્જન્ટ ભળતાં 34 બાળકો બીમાર

2026-08-19 16:07:28
નાલંદામાં મિડ-ડે મીલમાં ગંભીર બેદરકારી, મીઠાની જગ્યાએ ડિટર્જન્ટ ભળતાં 34 બાળકો બીમાર

બિહારના નાલંદા જિલ્લામાં મિડ-ડે મીલને લઈને ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. નૂરસરાય પ્રખંડની એક સરકારી શાળામાં મિડ-ડે મીલ ખાધા બાદ 34 બાળકોની તબિયત લથડી હતી. જણાવ્યા મુજબ, બાળકોએ ભોજનમાં વધારાનું મીઠું માંગ્યું હતું. આ દરમિયાન રસોઈયાએ કથિત રીતે ભૂલથી મીઠાની જગ્યાએ ડિટર્જન્ટ પાવડર ભોજનમાં ભેળવી દીધું હતું.

ભોજન લીધા બાદ કેટલાક બાળકોને ઉલટી, પેટમાં દુખાવો અને બેચેની જેવી તકલીફો શરૂ થઈ હતી. બાળકોની તબિયત બગડવાની જાણ થતાં શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ અસરગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે બિહારશરીફ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવેલા બાળકોમાં 17 વિદ્યાર્થીઓ અને 17 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તબીબોએ તમામ બાળકોની તપાસ કરી તેમની સારવાર શરૂ કરી હતી.

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ, હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર છે. ઘટનાને પગલે પ્રશાસને તપાસ શરૂ કરી છે. મિડ-ડે મીલના ભોજન અને તેમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવશે. આ ઘટનાએ શાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અને રસોડામાં સામગ્રીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Reporter: admin

Related Post