જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર વિયેતનામ એરલાઇન્સના બોઇંગ 787 વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા મોટો અકસ્માત ટળી ગયો હતો. હનોઈ જતી ફ્લાઇટ VN-34 ટેકઓફ દરમિયાન વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ હતી. ત્યારબાદ પાઇલટે વિમાનને લગભગ બે કલાક સુધી મ્યુનિકના આકાશમાં ઉડાડ્યું અને જરૂરી પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, 15 ઓગસ્ટે બપોરે લગભગ 1:45 વાગ્યે વિમાને મ્યુનિક એરપોર્ટ પરથી ટેકઓફ કર્યું હતું. ટેકઓફ દરમિયાન ટેલ-સ્ટ્રાઇક થતાં વિમાનને નુકસાન થયું હતું. ઘટના બાદ વિમાન લગભગ 9 હજાર ફૂટની ઊંચાઈએ બે કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું. આ દરમિયાન વિમાનનું વજન ઘટાડવા માટે હવામાં જ કેટલાક પ્રમાણમાં ઈંધણ છોડવામાં આવ્યું હતું.
આ વિમાનમાં 271 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર સહિત કુલ 287 લોકો સવાર હતા. સદનસીબે તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. શરૂઆતમાં એરલાઇન્સે વિમાન પરત ફરવાનું કારણ ‘ટેક્નિકલ ખામી’ હોવાનું જણાવ્યું હતું.
ઘટનાનો ટેકઓફ વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં વિમાનની પૂંછડી રનવે સાથે અથડાતી જોવા મળે છે. ઘટનાને પગલે મ્યુનિક એરપોર્ટનો નોર્થ રનવે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો.
Reporter: admin







