સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની ગ્રામીણ બેંકમાં ગ્રાહકોની જાણ બહાર બોગસ ખાતા ખોલી કરોડો રૂપિયાની લોન ઉપાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. બેંકના તત્કાલીન મેનેજર નિખિલ પ્રજાપતિ પર 67 ગ્રાહકો અને એક મૃતક મહિલાના નામે ખોટા ખાતા ખોલાવી કુલ ₹1.72 કરોડની લોનની ઉચાપત કરવાનો આરોપ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બેંકની આંતરિક ઓડિટ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં મેથાણ, રાજગઢ, દૂદાપુર, રાજચરાડી અને સરવાલ ગામના ગ્રાહકોના દસ્તાવેજોનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમના નામે પશુપાલન લોન અને શિયાળુ પાક ધિરાણ મંજૂર કરાવી કુલ ₹1,72,95,000ની રકમ ઉપાડવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ કેસમાં દૂદાપુર ગામની શાંતાબેન ઉકાભાઈ વોરાનું વર્ષ 2023માં અવસાન થયું હોવા છતાં, વર્ષ 2024માં તેમના નામે લોન મંજૂર કરાવી રકમ ઉપાડવામાં આવી હોવાનો પણ આરોપ છે.
કૌભાંડ સામે આવ્યા બાદ નિખિલ પ્રજાપતિએ મૂળ લોન અને વ્યાજ સહિત કુલ ₹2,01,06,400 બેંકમાં ભરપાઈ કર્યા હતા. જોકે, બોગસ ખાતા, દસ્તાવેજોના દુરુપયોગ અને છેતરપિંડીના આરોપોને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. અન્ય કર્મચારીઓ અથવા વચેટિયાની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.
Reporter: admin







